ગુજરાત
News of Friday, 7th June 2019

થરાદ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવથી રાયડાની ખરીદી બંધ કરી દેવાતાં ખેડૂતોનો હોબાળો

ખેડૂતો પ્રાંત કચેરીએ પહોંચ્યા : અન્યાય કરાયો હોવાની હૈયાવરાળ સાથે મિલીભગતના આક્ષેપો

થરાદ : સરકાર દ્રારા નાફેડ થકી થરાદ માર્કેટ યાર્ડમાં ખેડુતોના રાયડાની ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવામાં આવી હતી.જે અચાનક બંધ કરી દેવાતા બાકી રહી ગયેલા થરાદ તાલુકાના સો જેટલા ખેડુતો વાહનોમાં માલ સાથે થરાદના પ્રાંતકચેરી આગળ ધસી આવ્યા હતા. જેમણે તેમની સાથે અન્યાય કરાયો હોવાની હૈયાવરાળ સાથે મિલીભગતના આક્ષેપો પણ કર્યા હતા.સાથે હવે જો રાયડાની ખરિદી થશે તો સૌ પ્રથમ તેમના માલની જ થશે નહીતર કોઇની પણ નહી થાય તેમ જણાવી ન્યાયની માંગણી કરી હતી.

   આ અંગે નાયબ કલેક્ટરે ઉચ્ચસ્તરે પુછપરછ કરતાં કેન્દ્ર સરકાર દ્રારા ખરિદી બંધ કરવામાં આવી હોવાનો જવાબ મળ્યો હતો. જોકે આ અંગે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને બાકી રહી ગયેલા ખેડુતો અંગે પણ રજુઆત કરી ફરીથી ચાલુ કરાવાની માંગણી કરી છે.જેમાં બાકી રહી ગયેલા ખેડુતોના માલની ખરીદીને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી હૈયાધારણ પણ આપવામાં આવી હતી. જો કે તેમને રાયડાની ખરિદી બંધ કરવામાં આવનાર છે તેવા પ્રકારની કોઇ આગોતરી જાણ નહી કરાતાં તેમને અંધારામાં રાખવામાં આવ્યા હોવાની લાગણી સાથે ભારે આક્રોશની લાગણી પ્રદર્શિત કરતા જોવા મળ્યા હતા.

 

(11:15 am IST)