ગુજરાત
News of Friday, 7th June 2019

પત્નીએ ચારિત્ર્ય અંગે શંકા કરતા 75 વર્ષના વૃદ્ધે માંગ્યા છૂટાછેડા

કાપડના વેપારી વારંવાર વિદેશ જતા વૃધ્ધાએ કરી તેમના ચારિત્ર્ય પર શંકા : 55 વર્ષના દામ્પત્યજીવન બાદ એકબીજાથી અલગ રહેવાનું પસંદ કર્યું

 

અમદાવાદ :સામાન્ય રીતે 75 વર્ષે એકબીજાની હૂંફની જરૂર હોય ત્યારે છૂટાછેડા લેતા કિસ્સા ઓછા હોય છે. અમદાવાદમાં 55 વર્ષનું દામ્પત્યજીવન અને બે બાળકો બાદ છૂટાછેડા લેવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિને વારંવાર વેપારનાં કામે વિદેશ જવાનું થતું હતું અને પત્નીને લઇ ન જતાં.જેથી પત્નીને તેમના ચારિત્ર્ય પર શંકા જતા વૃદ્ધાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગી કહ્યું કે, 'મારા પતિ મને વિદેશ મુકીને ગયા છે અને મને તેમના ચારિત્ર્ય પર શંકા છે.' જે બાદ તે બંન્નેનું કાઉન્સેલીંગ કરાયું અને અંતે તેમણે એકબીજાથી અલગ રહેવાનું પસંદ કર્યું.

    આ અંગેની જાણવા મળ્યા મુજબ અમદાવાદ શહેરનાં મીઠાખળીમાં રહેતા 75 વર્ષનાં કાપડનાં વેપારીને વારંવાર તેમના વેપાર માટે બિઝનેસ જવાનું થતું હતું. તેમની સાથે અન્ય વેપારીઓ પણ જતાં. તેમની ઓફિસમાં મહિલાઓ પણ કામ કરે છે એટલે પત્નીને શંકા જતી હતી કે તેઓ કોઇ સ્ત્રી સાથે જ વિદેશ જાય છે. તેમણે એટલે પતિને કહ્યું હતું કે મને પણ તમારી સાથે લઇ જાઓ. પરંતુ પતિએ ના પાડી દીધી હતી. તેથી પત્નીની શંકા ઘેરી બની હતી. જેથી પત્નીએ આ મામલામાં અભયમની મદદ માંગી અને બંન્નેનું કાઉન્સેલીંગ કરાયું હતું.

   જેમાં પતિએ પણ કહ્યું હતું કે, 'હું મારા વેપારનાં કામે વિદેશ જાઉં છું. મારે કામની વ્યસ્તતા વચ્ચે સમય મળે નહીં એટલે પત્નીને સાથે નથી લઇ જતો. હું આ વારંવારનાં ઝઘડાથી કંટાળી ગયો છું. મારે પણ અલગ થઇ જવું છે.'

  શહેરના પોશ વિસ્તારમાં પતિનાં બે બંગલા છે. તેમણે હેલ્પલાઇનના કાઉન્સેલરની હાજરીમાં પત્નીને મીઠાખળીમાં આવેલો તેમનો બંગલો આપવા અથવા તો બીજી કોઈ જગ્યાએ બંગલો જોઈતો હોય તો ત્યાં ખરીદી આપવા કહ્યું હતું. આ ઉપરાંત ભરણપોષણની પણ બાંયધરી આપી છે

(10:21 pm IST)