ગુજરાત
News of Friday, 7th June 2019

એકસપ્રેસ હાઇવે પર ઘાતક હથિયાર સાથે ચાર ઝડપાયા

રથયાત્રા પૂર્વે શહેર ક્રાઇમબ્રાંચની મોટી સફળતા : ૮ પિસ્તોલ, દસ દેશી તમંચા, રિવોલ્વર અને ૩૮ જીવતા કારતૂસ સહિત ૧૮ હથિયારો જપ્ત : તમામની પુછપરછ

અમદાવાદ, તા.૬ : અમદાવાદ શહેરમાં રથયાત્રા પૂર્વે શહેર ક્રાઇમબ્રાંચે મહત્વની સફળતા મેળવી હતી અને શહેરના જશોદાનગર એક્સપ્રેસ હાઇવે પરથી ઘાતક હથિયારોના મોટા જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આઠ પિસ્તોલ, દસ દેશી તમંચા, રિવોલ્વર, ૩૮ જીવતા કારતૂસર સહિત ૧૮ હથિયારો જપ્ત કર્યા હતા અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આગામી મહિને શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ શહેર પોલીસે પેટ્રોલીંગ, કોમ્બીંગ, દરોડા, વાહનચેકીંગ સહિતનો ધમધમાટ શરૂ કર્યો છે અને શહેરમાં અનેક જગ્યાએ હથિયારોને લઈ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આજે ક્રાઈમ બ્રાન્ચે એક્સપ્રેસ વેના જશોદાનગર પરથી હથિયારોના મોટા જથ્થા સાથે ચાર શખ્સની ધરપકડ કરી લીધી હતી. હત્યાની અદાવતમાં પોતાની હત્યા થાય તે પહેલા આરોપીએ બે વ્યક્તિની હત્યા કરવામાં આ હથિયારોનો જથ્થો લઇને આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ૧૮ જેટલા હથિયાર જપ્ત કર્યા છે. જેમાં રિવોલ્વર અને ૩૮ જીવતા કારતુસ સહિતના હથિયારોનો સમાવેશ થતો હતો. પોલીસે હથિયારોની સાથે એક બ્રેઝા કાર પણ કબજે કરી હતી. આરોપીઓ મધ્ય પ્રદેશથી હથિયાર વેચવા માટે લાવ્યા હોવાની વાત પણ સામે આવી હતી, તેથી ક્રાઇમબ્રાંચે હથિયારોની હેરાફેરી અને વેચાણના ખતરનાક ષડયંત્રને લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. શહેર ક્રાઇમ બ્રાંન્ચની ટીમે બાતમીના આધારે જશોદાનગર એક્સપ્રે વે નજીક વોચ ગોઠવી હતી. બાતમીવાળી બ્રેઝા કાર આવતા પોલીસે તેને રોકી અંદર તપાસ કરતા ૮ પિસ્તલ, ૧૦ દેશી તમંચા, ૩૮ જીવતા કારતુસ મળી આવ્યાં હતાં. કારમાં બેસેલા ચારેય શખ્સની પૂછપરછ કરતા તેમના નામ વસીમ કથીરી (જસદણ), ઇમરાન ખાન પઠાણ (જુહાપુરા), અફઝલ માંડલીયા (જસદણ) અને સિકંદર ઉર્ફે બાપુ સૈયદ (જુનાગઢ) હોવાનું જણાવ્યું હતું. આરોપીઓની પૂછપરછ કરતા વસીમ કથીરી સિકંદર અને ઇમરાન અગાઉ હત્યાના પ્રયાસ અને હત્યા જેવા ગુનામાં ઝડપાઇ ચુક્યા હતા. આ હથિયારોનો જથ્થો મધ્ય પ્રદેશના બબલુ સરદાર અને સુરેન્દ્ર સરદાર પાસેથી લાવ્યાં હતા. આરોપી વસીમને ભાવનગરમાં ઉમેદ ઉલ્લાસ શેખ અને વલી મેમણ સાથે પોતાની ફોઇના દિકરા સમદની હત્યાની અદાવત ચાલતી હોવાથી પોતાની હત્યા કરે તે પહેલા તે બંન્નેની હત્યા કરવા માટે આ હથિયારો લઇને આવ્યાં હતાં. પોલીસે સમગ્ર ષડયંત્રમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

(8:13 pm IST)