ગુજરાત
News of Friday, 7th June 2019

વડોદરામાં સ્વીમીંગ પુલમાં નહાતી મહિલાઓનો વીડિયો ઉતારનાર યુવક આકાશ પટેલ ભાજપ આઇટી સેલનો કોર મેમ્બર હોવાનું ખુલ્યુ

વડોદરા :વડોદરાના પોશ વિસ્તારમાં સ્વીમીંગ પુલમા નહાતી મહિલાઓનો વિડીયો બનાવવાનો મામલામાં જે વેપારી યુવકની ધરપકડ કરવામાં આવી છે, તે યુવકનું ભાજપ સાથે કનેક્શન નીકળ્યું છે. મહિલાઓનો વીડિયો ઉતારનાર આકાશ પટેલ ભાજપના IT સેલનો કોર મેમ્બર છે. હાલ આકાશ પટેલની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે, જેમાં તે વડોદરામાં હાલમાં ચૂંટાઈ આવેલ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે દેખાઈ રહ્યો છે

શું બન્યું હતું...

ત્રણ દિવસ પહેલા વડોદરાનો બનાવ ચર્ચામાં આવ્યો હતો. વડોદરાના ગોત્રી સેવારી રોડ પર અનેક બંગ્લોઝ આવેલા છે. જેમાં વિલા ક્લબ હાઉસમા એક સ્વીમીંગ પુલ આવેલું છે. જ્યાં વિલામાં રહેતી મહિલાઓ રોજ સ્વીમિંગ માટે જાય છે. પુલની પશ્ચિમ દિશાએ સોમનાથ સોસાયટીના બંગલા આવેલા છે. જેમાંથી બંગલા નંબર 78માં આકાશ પટેલ નામનો કમ્પ્યૂટરનો વેપારી રહે છે. મહિલાઓની નજર પડી હતી કે, આકાશ પોતાના બંગલાના પહેલા માળે શર્ટ કાઢી અર્ધનગ્ન હાલમાં ઉભો છે અને તે સ્વીમિંગ કરતી મહિલાઓના ફોટો અને વીડિયો લઈ રહ્યો હતો. ત્યારે મહિલાઓની નજર જતા તેમણે ક્લબ મેનેજરને વાતની જાણ કરી હતી, અને ક્લબ મેનેજરે આકાશનો શૂટ કરતો ફોટો પાડ્યો હતો. જેના બાદ મામલો બિચક્યો હતો. મહિલાઓએ આકાશનો રીતસરનો ઉધડો લીધો હતો અને ત્યાર બાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પહોંચી હતા. મહિલાઓએ ફરિયાદ કરતા પોલીસે સોમવારે મોડી રાત્રે ગુનો નોંધ્યો હતો. મંગળવારે આકાશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. વડોદરામાં આકાશ પટેલને ધરપકડ બાદ જામીન પણ મળ્યા હતા.

સ્થાનિકોએ કહ્યું હતું કે, આકાશ પટેલ છેલ્લા મહિનાથી મહિલાઓને નિહાળી રહ્યો હતો. જેના માટે તેણે વિવિધ તૂત આચર્યા હતા. જેમ કે, સ્વીમીંગ પુલમાં ન્હાતી મહિલાઓ સ્પષ્ટ રીતે દેખાય તે માટે આકાશે વચ્ચે નડી રહેલા 20 વૃક્ષોનો ખાત્મો બોલાવ્યો હતો. જેના વિશે લોકોને સમગ્ર મામલો બહાર આવ્યા બાદ ખબર પડી હતી. તેણે ઝાડને કારણે કચરો પડતો હોવાનું કારણ ધરીને 20 ઝાડ કપાવી નંખાવ્યા હતા. મહિલાઓએ ઠપકો આપતા આકાશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાઓએ પોલીસને મામલે અરજી આપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરતા પોલેસી કાર્યવાહી કરી હતી. સમગ્ર મામલે મહિલા આયોગે વડોદરા પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માગ્યો હતો.

(5:40 pm IST)