ગુજરાત
News of Thursday, 7th June 2018

વડોદરાનો 12 વર્ષનો યજ્ઞ પાઠક લશ્કરી અધિકારી બનવા પ્રશિક્ષણ મેળવશે :રાજ્ય માટે એકમાત્ર બેઠક પર પસંદગી

જુલાઇમાં દહેરાદૂનની રાષ્ટ્રીય ઇન્ડિયન મીલીટરી કોલેજ-નેશનલ ડિફેન્સ એકેડમીમાં કેડેટ તરીકે જોડાશે

 

વડોદરા : વડોદરાના માત્ર બાર વર્ષનો યજ્ઞ પાઠક લશ્કરી અધિકારી બનવા માટેની પ્રશિક્ષણ મૅડવશે યજ્ઞ ભરત પાઠકે દ્ઢ સંકલ્પબધ્ધતા અને માતાપિતાના આશિર્વાદ અને પીઠબળ સાથે, દેશની સુરક્ષામાં પોતાના જીવનને જોડવાની સંપૂર્ણ તૈયારીઓ કરી છે .

 ગુજરાત રાજ્ય માટેની એકમાત્ર બેઠક પર થયેલી પસંદગીના પગલે યજ્ઞ પાઠક હવે આગામી જુલાઇમાં દહેરાદૂનમાં  આવેલી રાષ્ટ્રીય ઇન્ડિયન મીલીટરી કોલેજ-નેશનલ ડિફેન્સ એકેડમીમાં કેડેટ તરીકે જોડાશે અને શિક્ષણની સાથે શૂરવીર લશ્કરી અધિકારી બનવાનું પ્રશિક્ષણ મેળવશે.

  સંસ્થા ભારતીય સેનાના સર્વોચ્ચ માપદંડો પ્રમાણે સેનાધિકારીઓની માનવ સંપદાના ઘડતરનું પાયાનું કામ કરે છે અને અત્રે ઘડતર પામેલા સૈનિક અધિકારીઓ ભારતીય સેના માટે કરોડરજ્જુ સમાન પુરવાર થયા છે.

  યજ્ઞના પિતા ભરતકુમાર પાઠક કલેકટર કચેરી, વડોદરા ખાતે નાયબ હિસાબનીશ તરીકે કાર્યરત છે અને તેના માતા ડિમ્પલબહેન પાઠક વ્યવસાયે શિક્ષિકા છે. ભરતભાઇ જણાવે છે કે બાળપણથી સૈનિક કારકિર્દીનું આકર્ષણ ધરાવતો યજ્ઞ સન ૨૦૧૬માં જામનગર જિલ્લાના બાલાચડી ખાતેની સૈનિક સ્કુલમાં પ્રવેશ માટે પસંદ થયો હતો અને ૬ઠા ધોરણમાં જોડાયો હતો. તેનું ધ્યેય આરઆઇએમસી માટે પસંદ થવાનું હતું. સન ૨૦૧૮ના એપ્રિલમાં તેની પ્રવેશ પરીક્ષા, પછી પર્સનલ ઇન્ટરવ્યુ અને તબીબી ચકાસણીના કોઠાઓ ભેદીને તે હવે કેડેટ તરીકે જોડાવા માટે અંતિમ પસંદગી પામ્યો છે.

  સંસ્થામાં દેશના પ્રત્યેક રાજ્યમાંથી માત્ર એક કિશોરની પસંદગી કરવામાં આવે છે. પાઠક જણાવે છે કે, ગુજરાતની સીટ પર યજ્ઞની પસંદગીનું માતાપિતા તરીકે અમે અદકેરૂ ગૌરવ અનુભવીએ છે. ઉલ્લેખનીય છે કે સંસ્થા દેશ માટે જાંબાઝ કમાન્ડો તૈયાર કરવાનુ પણ કામ કરે છે. યજ્ઞ પાઠક જણાવે છે કે રીમ્સમાં પ્રવેશ મારે માટે સ્વપ્ન સાકાર થયું જેવી ઘટના છે. સન ૧૯૨૨માં સ્થપાયેલી સંસ્થા ઉચ્ચ ગુણવત્તાવાળી લશ્કરી તાલીમ સહ શિક્ષણ માટે ખ્યાતનામ છે. તેમાં પ્રવેશ મેળવવા માટે હું આજીવન ગૌરવની લાગણી અનુભવીશ.

(11:48 pm IST)