ગુજરાત
News of Thursday, 7th June 2018

પ્લાસ્ટિકના વપરાશ સામે તીવ્ર પગલા : પ્રતિબંધિત જથ્થો જપ્ત

અમદાવાદમાં ચા-કોફીની લારી અને પાનના ગલ્લાં સામે તવાઈઃ અમદાવાદ શહેરના જુદા જુદા ઝોનમાં ટીમ દ્વારા કાર્યવાહી : ૪૧૧ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત : ૯૬૦ને નોટિસ : કુલ ૧૪ ધંધાકીય એકમો સીલ

અમદાવાદ,તા.૭: બિટ પ્લાસ્ટિક પોલ્યુશનને સફળ બનાવવા તથા પર્યાવરણ જાળવણી માટે ચા-કોફીની લારીઓમાં વપરાતા પ્લાસ્ટિકના કપ, પાણીના પાઉચ તથા પાનમસાલાના પેકિંગ માટે વપરાતા પ્લાસ્ટિકના રેપર્સના વપરાશ, સંગ્રહ અને ઉત્પાદન સામે આક્રમક કાર્યવાહી આજે પણ જારી રહી હતી. આજે તમામ ઝોનના હેલ્થવિભાગની ટીમ દ્વારા લારીઓમાં વપરાતા જુદા જુદા પ્રકારના પ્લાસ્ટિકના રેપર્સ વેચાણ અને સંગ્રહ અને બનાવટ કરતા ધંધાકીય એકમો સામે દરેક ઝોનમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન ૪૧૧ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે ૪૪૭૩૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ૯૬૦ નોટિસો આપવામાં આવી છે. ૧૪ ધંધાકીય એકમોને પણ સીલ કરી દેવામાં આવ્યા છે. કાર્યવાહી હજુ જારી રહે તેવા સંકેત છે. તા.પ જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ'થી અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનાં પાઉચ, ૪૦ માઇક્રોનવાળાં ઝભલાં થેલી, પાન મસાલાના લારી-ગલ્લામાં પેકિંગ માટે વપરાતાં પ્લાસ્ટિકનાં રેપર્સ, ચા-કોફીની કીટલીમાં વપરાતાં પ્લાસ્ટિકના કપ વગેરેના વપરાશ, સંગ્રહ અને ઉત્પાદન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવાયો છે પરંતુ તેમછતાં શહેરમાં હજુ છાનેછપને ચાની કીટલીઓ અને ગલ્લાં પર પાણીના પાઉચ અને પાન-મસાલાના પ્લાસ્ટિકનો વપરાશ ચાલુ હોવાની ફરિયાદો સામે આવતાં અમ્યુકો તંત્ર દ્વારા હવે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાની કીટલીઓ અને પાનના ગલ્લા સહિતના સ્થાનો પર તવાઇ બોલાવાઇ રહી છે. છેલ્લા ત્રણ દિવસથી અમ્યુકોના હેલ્થ વિભાગ દ્વારા આ અંગેની ઝુંબેશ હાથ ધરાઇ છે અને કેટલાક પાણીના પાઉચ અને પાન-મસાલાના ત્રણ હજાર કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરાયો છે અને રૂ.પાંચ લાખથી વધુનો દંડ વસૂલાયો છે. પ્લાસ્ટિક પરના આ પ્રતિબંધને વધુ અસરકારક અને સાચા અર્થમાં લાગુ કરવાના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે ગટર લાઇનના મેનહોલ અને સ્ટોર્મ વોટર લાઇનના કેચપિટની પાસે ધમધમતાં લારી-ગલ્લા અને ચાની કીટલીને કાયમી ધોરણ હટાવવાનો આદેશ કર્યો છે. શહેરમાં એક અંદાજ પ્રમાણે ૧,૩૯,૦૦૦થી વધુ મેનહોલ અને ૪૧,૦૦૦થી વધુ કેચપિટ છે, જોકે ગત નાણાકીય વર્ષ દરમ્યાન સત્તાવાળાઓ દ્વારા વધુ ૭,૦૦૦ જેટલા મેનહોલ-કેચપિટ બનાવાયાં હોઇ અત્યારે કુલ ૧.૮૭ લાખથી વધુ મેનહોલ-કેચપિટ છે. દર વર્ષે પ્રિમોન્સૂન એકશન પ્લાન હેઠળ ચોમાસા પહેલાં ગટર અને સ્ટ્રોમ વોટર લાઇનની સાફસફાઇ હાથ ધરાય  છે. જેમાં ગટરલાઇનના મેનહોલ અને સ્ટ્રોમ વોટર લાઇનની કેચપિટના શિલ્ટને બહાર કાઢીને ચોમાસામાં વરસાદી પાણીનો અસરકારક નિકાલ થાય અને લોકોના ઘરની ગટર ઊભરાય નહીં તેના પર ખાસ ધ્યાન અપાય છે પરંતુ તેમ છતાં મહંદશે પ્રિમોન્સૂન એકશન પ્લાન નિષ્ફળ નિવડે છે અને ચોમાસામાં એક તરફ વરસાદી મહેરથી શહેરના રસ્તા જળબંબાકાર થઇને લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસીને હાહાકાર મચાવે છે તો ગટરલાઇન ચોકઅપ થવાથી ઘરની ગટર ઊભરાય છે. ગટર લાઇન અને સ્ટ્રોમવોટર લાઇન ચોકઅપ થઇ જવાનું મુખ્ય કારણ દૂધની થેલીઓ, પ્લાસ્ટિકનાં ઝભલાં થેલી, પ્લાસ્ટિકના કપ, પ્લાસ્ટિકનાં રેપર્સ વગેરેને ઉપયોગમાં લઇને આડેધડ રસ્તા પર ફેંકી દેવાનું છે. વરસાદ દરમ્યાન પ્લાસ્ટિકની આવી વસ્તુઓ ગટરના મેનહોલ કે સ્ટોર્મ વોટર લાઇનની કેચપીટની અંદર અટકી જઇને લાઇનને ઠપ કરી દે છે. આ બાબતથી મ્યુનિસિપલ સત્તાધીશો સારી રીતે વાકેફ પણ છે, પરંતુ મેનહોલ અને કેચપિટ પાસેનાં પાન પાર્લર કે ચાની કીટલીઓને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં સત્તાવાળાઓએ હંમેશાં ખચકાટ અનુભવ્યો છે. જાણકાર સૂત્રો કહે છે, મોટાભાગનાં પાન પાર્લર, ચાની કીટલી અને અન્ય પાણીપૂરી સહિતનું ખાદ્ય પદાર્થનું વેચાણ કરતી લારીઓ વગેરે મેનહોલ અને કેચપિટની નજીક જ અડિંગો જમાવે છે. કેમ કે આનાથી ધંધાર્થીઓને એઠવાડનો નિકાલ ગટરમાં કરવો આસાન રહે છે. બીજી તરફ તંત્રના હપ્તાખોરી સિસ્ટમથી હાલની 'બિટ પ્લાસ્ટિક પોલ્યુશન' ઝુંબેશ જેવી ઝુંબેશ અગાઉ પણ 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ચલાવાઇ હોવા છતાં હંમેશાં નિષ્ફળ નિવડી છે. અત્યારે હેલ્થ વિભાગ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને વેચાણ સામે ખાસ ઝુંબેશ ચલાવાઇ રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં એસજી હાઇવે, સીજીરોડ, આશ્રમરોડ તેમજ પંચવટીથી ઇસ્કોન મંદિર સુધીના રોડ પર કુલ ૩૦૦૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી ધંધાર્થીઓ પાસે રૂ.પાંચ લાખથી વધુનો દંડ વસૂલાઇ ચૂક્યો છે. આ માટે પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનમાં વિશેષ બે ટીમ બનાવાઇ છે, જોકે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ પાસે સીલિંગની સત્તા નથી એટલે હેલ્થ વિભાગ જ સીલિંગની કાર્યવાહી કરી રહ્યો છે, જોકે જે તે ધંધાર્થી પાસેથી અમુક રકમ પેનલ્ટી પેટે વસૂલી તેમજ બાંહેધરીપત્ર લખાવીને તંત્ર બાદમાં સીલ ખોલી દે છે, પરિણામે સમગ્ર સ્થિતિ ઠેરની ઠેર રહે છે, એટલે આ વખતે તંત્ર નિષ્પક્ષ કામગીરી કરે તો સારૃં.

(10:14 pm IST)