ગુજરાત
News of Thursday, 7th June 2018

હનીફ દાઢી હત્યા કેસ : અંતે ક્રાઇમ બ્રાંચે તપાસ બંધ કરી

ક્રાઇમબ્રાંચ દ્વારા સમરી રિપોર્ટ કોર્ટમાં રજૂ : જામનગરના વકીલ કિરીટ જોષીની હત્યા, સુરતની બાળકી અને અન્ય કેસો ઉકેલનારી ક્રાઇમબ્રાંચ સામે પણ સવાલ

અમદાવાદ,તા.૭ : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે તેની કામગીરીથી રાજ્યમાં નહી પરંતુ આખા દેશમાં પોતાની આગવી અને પ્રતિષ્ઠાભરી ઓળખ ઉભી કરી છે ત્યારે આ ક્રાઇમ બ્રાન્ચ પર કેટલાક વિવાદો પણ જોડાયા છે. તાજેતરમાં જામનગરમાં થયેલા વકીલ કિરીટ જોષી હત્યા કેસનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી દીધો હતો ત્યારે સુરતમાં બાળકી પર થયેલ રેપ વિથ મર્ડર કેસનો પણ ભેદ ઉકેલીને પ્રસંશનીય કામગીરી પર મહોર લગાવી દીધી હતી. વણઉકેલાયેલા ગુનાના ભેદ ઉકેલવામાં જાંબાઝ ગણાતી ક્રાઇમ બ્રાન્ચ દોઢ વર્ષ પહેલાં થયેલા બિલ્ડર હનીફ શેખ ઉર્ફે હનીફ દાઢી હત્યા કેસનો ભેદ ઉકેલવામાં પાણીમાં બેસી ગઇ છે. દોઢ વર્ષની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચે હનીફ દાઢી હત્યા કેસમાં મેટ્રો કોર્ટમાં એ સમરી ભરીને કેસનું ફીંડલું વાળી દીધું. જો કે, ક્રાઇમબ્રાંચના આ પ્રકારના વલણને લઇ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ગત તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬ની મોડી રાત્રે જમાલપુર મ્યુનિ. ક્વાટર્સ પાસે એક્ટિવા પર  આવેલા બે શખસોએ બિલ્ડર હનીફ દાઢી પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતાર્યા હતા.આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા માટે તત્કાલીન શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ આદેશ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ૧૦૦ કરતાં વધુ શંકમદોની પૂછપરછ કરી હતી જોકે હજુ સુધી તેમને કોઇ કડી નહીં મળતાં કોર્ટમાં એ સમરી ભરી દીધી છે. હનીફ દાઢી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ડી ગેંગના કેટલાક સભ્યોની પણ પૂછપરછ કરી છે ત્યારે તપાસનો રેલો મુંબઇ સુધી પણ પહોંચ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ.એલ.ચૌધરીએ જણાવ્યું છે કે હનીફ દાઢી હત્યા કેસમાં કોઇ આરોપી નહીં મળી આવતાં કોર્ટે અ સમરી ભરી દીધી છે. કોઇ પણ કેસમાં લાંબા ગાળાની જ્યારે પોલીસને આરોપી સુધી પહોચવા માટે કોઇ પગેરું મળતું ના હોય અથવા તો તે આરોપી સુધી પહોંચી શકી ના હોય ત્યારે તેઓ કોર્ટમાં આરોપી મળી આવતા નથી તેવો એક રિપોર્ટ ફાઇલ કરે જેને એ સમરી કહેવામાં આવે છે. આ સમરી એટલે તપાસ બંધ કરી દીધી હોય તેવું પણ કહેવામાં આવે છે. ભવિષ્યમાં કદાચ કોઇ આરોપી પકડાય તો સમરી પાછી ખેંચીને આરોપી વિરુદ્ધમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવે છે. જો કે, ક્રાઇમબ્રાંચે હનીફ દાઢી હત્યા કેસમાં એ સમરી ફાઇલ કરી હવે તપાસ અભરાઇએ ચઢાવી દેતાં અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે કેમ ક્રાઇમબ્રાંચ આટલા ચકચારભર્યા અને સંવેદનશીલ કેસમાં તપાસની મૂળ કડી અથવા તો હત્યારાઓ સુધી પહોંચી શકવામાં સફળ ના થઇ અને એવું કયું કારણ કે પરિબળ છે કે ક્રાઇમબ્રાંચને તેમાં સફળતા ના મળી? હવે આગામી દિવસોમાંક્રાઇમબ્રાંચ શું વલણ અપનાવે છે તેની પર સૌની નજર મંડાઇ છે.

(7:30 pm IST)