ગુજરાત
News of Thursday, 7th June 2018

ગાંધીનગરમાં સિવિલમાં એક્સરે મશીન બંધ થતા લોકોને હાલાકી

ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ જ નહીં સ્ટાફ પણ સતત સમસ્યાઓ વચ્ચે કામ કરી રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી સિવિલમાં એક્સરે મશીનમાં તકનીકી ખામી સર્જાવાને કારણે બંધ થઇ ગયું છે જેને લઇને દર્દીઓનું યોગ્ય નિદાન થઇ શક્તું નથી અને ડોક્ટરને પણ હેરાન થવુ પડે છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલનો વહિવટ છેલ્લા ઘણા વખતથી ખાડે જઇ રહ્યો છે. ટપકતી છતથી લઇને લાઇટો ડૂલ થઇ જવાની સાથે મેડિકલ ઇન્સ્ટયુમેન્ટ બગડી જવાને કારણે દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. મેડિકલ કોલેજ બનાવને કારણે દર્દીઓની સંખ્યા વધી છે તો સાથે સાથે ગ્રાન્ટ પણ વધી છે પરંતુ યોગ્ય અમલવારીના અભાવે અગાઉની જેમ દર્દીના ભાગે ધક્કા ખાવાનો જ વારો આવે છે. છેલ્લા બે દિવસથી એક્સરે મશીનમાં ટેકનીકલ ખામી સર્જાઇ છે. જેને લઇને બન્ને મશીનો બંધ થઇ ગયા છે તેવી સ્થિતિમાં દર્દીના એક્સરે પડી શકતા નથી અને ડોક્ટર પણ દર્દીનું યોગ્ય રીતે નિદાન કરી શક્તા નથી.સિવિલમાં રોજના ૩૦૦થી પણ વધુ એકસરે પડતા હોય છે ત્યારે મશીન બંધ થવાને કારણે ઘણા દર્દીઓને ખાનગીમાં એક્સરે પડાવવાનો વારો આવ્યો છે.

(7:10 pm IST)