ગુજરાત
News of Thursday, 7th June 2018

દીવથી બિયર ઘૂસાડવાનો નુસખો :કેરીની પેટીમાં બિયરનો જથ્થો ઝડપાયો:કોડીનાર પોલીસે કરી મહિલાની અટકાયત

ઉના બાયપાસ પાસેથી દીવથી આવી સુત્રાપાડા જતી બસના ચેકિંગમાં 60 જેટલા ટીન મળ્યા

દીવથી બીયરના ટીન ઘુસાડવાનો નવતર નુસખો બહાર આવ્યો છે હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે દિવથી આવતી ખાનગી બસમાં કેરીના બોક્સમાં બિયરનો સંતાડી લવાતો જથ્થો કોડીનાર પોલીસે ઝડપી પાડ્યો છે. કેરીના બોક્સમાં છુપાવેલા બિયરના જથ્થા સાથે કોડીનાર પોલીસે એક મહિલાની અટકાયત કરી છે.

આ અંગે મળતી વિગત મુજબ બાતમીના આધારે વોટ ગોઠવીને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં આવેલા ઉના બાયપાસ પાસેથી દીવથી આવી સુત્રાપાડા જતી એકતા ટ્રાવેલ્સ નામની ખાનગી બસને કોડીનાર પોલીસે રોકી તપાસી લેતા આલ્કોહોલિક કિંગફિશર બ્રાન્ડની સ્ટ્રોંગ બિયરના 60 જેટલા ટીન સાથે એક મહિલાની અટકાયત કરવામાં આવી છે.

બસમાં બેઠેલા અન્ય મુસાફરોના સામાનની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં કાંઈજ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. બસની ઉપર રાખેલા કેરીના 2 બોક્સ નીચે ઉતારી "આ કેરીના બોક્સ કોના છે." તેવું પૂછતાં આ બંને બોક્ષ બસમાં સફર કરી રહેલી એક મહિલાના હોવાનું સાબિત થયું હતું.

આ બોક્ષ ને ખોલતા બંને બોક્ષ માંથી કેરીના બદલે ખીચોખીચ કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ટીન ભરેલા હતા. કોડીનાર પોલીસે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આ બોક્ષની માલિક મહિલાની અટકાયત કરી છે.

દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યાં છે. વલસાડ સીટી પોલીસે વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી. કારમાં રાખેલા CNGનાં ગેસનાં બોટલમાં મુકેલો દારૂ ઝડપાઇ આવ્યો હતો. 9 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપીને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત આરોપીને ઝડપ્યો હતો.

(1:46 pm IST)