ગુજરાત
News of Thursday, 7th June 2018

સુરતના સરથાણા ચોકડી પાસે અમરેલી પંથકના ત્રણનો ભોગ લેનાર ટ્રક ચાલકની ધરપકડ ;CCTV ફૂટેજ મળ્યા

સુરતમાં સરથાણા સીમાડા નાકા પાસે અમરેલી પંથકના ત્રણ લોકોનો ભોગ લેનાર ટ્રક ડ્રાયવરની ધરપકડ કરી લેવાઈ છે અને આ અકસ્માતનો સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે

  આ અંગેની વિગત મુજબ બુધવારે બપોરના સમયે બાળકના એડમિશન માટે સ્કૂલે જઈ રહેલા ત્રણ લોકોને ટ્રકે કચડી નાખ્યા હતા.સરથાણા યોગચોક ખાતે રહેલા લાલજીભાઈ રાદડિયા તેના ભત્રીજા વિજય રાદડિયાના પુત્ર મંત્રનું સ્કૂલમાં એડમિશન કરાવવા માટે તેમના ભત્રીજા વહુ હેતલબેન સાથે જઈ રહ્યા હતા. તમામ લોકો એડમિશન માટે મારૂતિધામ ખાતે આવેલી એબીસી સ્કૂલ જવા માટે નીકળ્યા હતા.

 આ દરમિયાન ત્રણેય લોકો મોટર સાઇકલ પર બાપા સિતારામ ચોક પાસે પહોંચ્યા હતા ત્યારે તેમને એક ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જેમાં હેતલબેન અને તેના પુત્ર મંત્રને ટ્રક ચાલકે કચડી માર્યા હતા. જ્યારે લાલજીભાઈ ટ્રકની ટક્કરથી ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેયનાં મોત થયા હતા.

 

  અકસ્માતના સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટ્રક ચાલક રસ્તા પર પૂરપાટ ઝડપે જઈ રહ્યો છે. એ જ સમયે સામેથી બાઇક ચાલક વણાંક લે છે. આ સમયે ટ્રક ચાલકે બ્રેક મારવાને બદલે ટ્રક હંકારી રાખી હતી. જેના કારણે અકસ્માત થયો હતો.

 

  અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જોકે, લોકોએ તેને નજીકની સોસાયટીમાંથી શોધી કાઢ્યો હતો અને બરાબરની ધોલાઇ કરી હતી.

 

 

(1:41 pm IST)