ગુજરાત
News of Thursday, 7th June 2018

સુરતમાં અમરેલી પંથકનાં મોટા સસરા, વહુ અને પૌત્રનું મોત

બાઈક ઉપર શાળામાં એડમિશન માટે જતા હતા ત્યારે સરથાણા વિસ્તારમાં ડમ્પરે હડફેટે લેતા અકસ્માત સર્જાયો

રાજકોટ, તા. ૭ :. સુરતના સરથાણા વિસ્તારમાં બાપા સીતારામ ચોક નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર શાળામાં એડમિશન માટે જઈ રહેલા ત્રણ લોકો પૈકી મોટા સસરા, વહુ અને તેમના પૌત્ર રોડ ઉપર ફંગોળાતા આધેડનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.

જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા માતા-પુત્રને સારવાર માટે નજીકની હોસ્પીટલ ખસેડાતા તબીબોએ માતા-પુત્રને પણ મૃત જાહેર કર્યા હતા.

આ અંગે મળતી વિગત મુજબ સુરતના સરથાણા વિસ્તારમાં જ યોગી ચોક ખાતે આવેલી યોગીદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના વતની લાલજીભાઈ ભગવાનજીભાઈ રાદડીયા તેમના નાના ભાઈના દીકરાની વહુ અને તેના પુત્રને લઈને શાળામાં એડમિશન માટે બાઈક ઉપર જઈ રહ્યા હતા. આ દરમિયાન સરથાણા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીકથી પસાર થતા ડમ્પર નંબર જીજે ૦૫ બીવાય ૬૮૬૨ના ચાલકે બાઈકને હડફેટે લીધી હતી. જેમાં બાઈક ચાલક લાલજીભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે હેતલબેન વિજયભાઈ રાદડીયા અને પુત્ર મંત્રને સારવાર માટે ૧૦૮ મારફતે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બન્નેના મોત નિપજયા હતા.

(11:48 am IST)