ગુજરાત
News of Thursday, 7th June 2018

ગુજરાતભરમાં તાપમાનમાં આંશિકરીતે ઘટાડો નોંધાયો

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩.૩ ડિગ્રી તાપમાનઃ અમદાવાદમાં પારો આંશિક ઘટીને ૪૧.૯ સુધી પહોંચ્યો

અમદાવાદ, તા.૬: અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ગરમીના કારણે લોકો ફરી એકવાર પરેશાન દેખાઈ રહ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. તાપમાન ઘટાડો થયો હોવા છતાં લોકો મુશ્કેલીમાં દેખાયા હતા. બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે અકબંધ રાખી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૯ ડિગ્રી રહ્યું હતું. સૌથી વધુ તાપમાન આજે સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું જ્યાં પારો વધીને ૪૩.૨ સુધી પહોંચ્યો હતો. આવી જ રીતે અમદાવાદમાં પણ પારો ફરી એકવાર આંશિકરીતે ઘટી ગયો છે. બપોરના ગાળામાં લોકો હજુ પણ પરેશાન દેખાઈ રહ્યા છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ બે દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૧૦૨ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના બે દિવસના ગાળામાં ૩૦ અને ટાઇફોઇડના ૩૬ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના બે દિવસના ગાળામાં ૨૩ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન મહિનામાં ઝેરી મેલેરિયાના કોઇ કેસ નોંધાયા નથી. આજે રાજ્યના કેટલાક ભાગોમાં પારો ૪૨થી ઉપર પહોંચ્યો હતો જેમાં અમદાવાદ, ડિસા, ગાંધીનગર, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. ગુજરાતના કેટલાક ભાગોમાં આજે હળવો વરસાદ થયો હતો જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજકોટના ગોંડલ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે.  અમદાવાદમાં બપોરના ગાળામાં ભરચક રહેતા વિસ્તારો પણ સુમસામ દેખાતા હતા. લોકોએ બપોરના ગાળામાં બહાર નિકળવાનું ટાળ્યું હતું. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. રસ્તાઓ ગરમીના કારણે સુમસામ રહ્યા હતા. લોકોની ચામડી દાઝી જવા જેવો અનુભવ આજે બપોરના ગાળામાં થયો હતો. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં પણ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

(9:28 am IST)