સુરતના જીઆઇડીસી વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા લોકોએ વેપારી પર જીવલેણ હુમલો કરી પથ્થરમારો કરતા પોલીસ તંત્ર દોડતું થયું
સુરત: શહેર ના પાંડેસરા GIDCમાં દારૂની મહેફિલ માણતા લોકોએ વેપારી પર હુમલો કર્યા બાદ દુકાન પર પથ્થરમારો કરી હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. દુકાન આગળ દારૂની મહેફિલ માણવા બેસેલા શખ્સોને ટકોર કરતા મામલો બીચકાયો હોવાનું સામે આવ્યું છે.
બેફામ બનેલા બુટલેગરોના માણસોએ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવતા ઉદ્યોગપતિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે GIDCની તમામ ગલીઓમાં હપ્તાખોર પોલીસ કર્મચારીઓની મહેરબાનીઓથી અડ્ડાઓ ચાલી રહ્યા હોવાનો ઉદ્યોગપતિઓએ આરોપ પણ લગાવ્યો છે. જોકે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જતા લોકો ભેગા થઈને આ ન્યુસન્સ બંધ કરાવવા રજુઆત કરી રહ્યા છે. પાંડેસરા GIDC ઇન્ડસ્ટ્રીયલમાં કેટલાક શખ્સો દ્વારા વેપારી પર થયેલા હુમલા બાદ દારૂના ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાના વીડિયો વાઇરલ થયા છે. એટલું જ નહીં પણ નાના-નાના બાળકોની નજર સામે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. લોકો બારમાં મદિરાપાન કરતા હોય એવી મજા લેતા વીડિયો વાઇરલ થતા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. કોઈ ઘરમાં કે કોઈ ઘરના ઓટલા પર કે કોઈ ખુલ્લા મેદાનમાં દારૂ નું વેચાણ કરતો દેખાય રહ્યો છે.