ગુજરાત
News of Friday, 7th May 2021

વડોદરા: રેતીનું ખનન કરી હેરાફેરી કરતા ડમ્પરને ખાણખનીજ વિભાગે ઝડપ્યા બાદ ચોરી કરી તસ્કરો રફુચક્કર

વડોદરા: શહેરમાં નિયમ કરતા વધુ રેતીનું ખનન કરી હેરાફેરી કરતા ડમ્પરને ખાણખનીજ વિભાગે ઝડપી પાડ્યા બાદ તે સિઝ કરેલું રેતીનું ડમ્પર અજાણ્યો તસ્કર ચોરી નાસી છૂટયો હોવાનો બનાવ કરજણ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.

ભૂસ્તર શાસ્ત્રીની કચેરી ખાણ ખનીજ ખાતામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા બીપીનભાઈ કાછડીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે 2 મેના રોજ કરજણ તાલુકામાં આવેલી નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનીજની હેરાફેરી અટકાવવા કામગીરી અર્થે શાખાનો સ્ટાફ નીકળ્યો હતો દરમિયાન સારિંગ ગામ પાસે રેતી ભરેલા ટ્રકને ઉભી રાખી અલપેશભાઈ પંચાલની લિઝની  રોયલ્ટી પાસ માંગતા તેમાં 33.700 ટન વજન દર્શાવ્યું હતું. જેથી અધિકારીઓને શંકા જતાં તેઓએ અન્ય વજન કાંટા ઉપર ટ્રક નું વજન કરાવતા 43.530 ટન વજન જણાવ્યું હતું જેથી નિયમ કરતા 9.630 ટન વધુ રેતીની હેરાફેરી કરતા હોવાની માહિતી સામે આવી હતી. જેથી અધિકારીઓએ ટ્રક સિઝ કરીને કરજણ તાલુકાના ફતેપુરા ખાતે આવેલા વી કે ટ્રેડિંગ સ્ટોકીસ્ટ ખાતે મુકાવી હતી. જે ટ્રક રાત્રિના સમયે અજાણ્યો તસ્કર ચોરી ગયો હોવાની વિગત બહાર આવી હતી. જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

(5:41 pm IST)