ગુજરાત
News of Sunday, 7th March 2021

રાજપીપળા એસટી ડેપોમાં વાઇફાઇ ઘણા મહિનાઓથી બંધ : ત્યાં લાગેલા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન

કેટલાક એસટીના કર્મચારીઓ પોતાના મોબાઈલનું નેટ વાપરી ગાડું ગબડાવતા હોવાની ચર્ચા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના મુખ્ય એવાં રાજપીપળા એસટી ડેપોમાં ઘણા મહિનાઓથી વાઇફાઇ બંધ થતાં ઓનલાઇન સિસ્ટમ અટવાઈ પડી હોવાની પણ બુમ સંભળાઈ છે.ત્યારે ડેપોમાં લટકતા વાઇફાઇ ના પાટિયા હાલ શોભના ગાંઠિયા સમાન જણાઈ છે
રાજપીપળા એસટી ડેપોમાં લગભગ ઘણા મહિનાથી વાઇફાઇ સિસ્ટમ બંધ હોવાથી નેટવર્ક થી કાર્યરત બુકીંગ સહિતની એસટીની સેવાઓ અટવાઈ પડી છે જોકે અમુક વખત હાજર કર્મચારીઓ પોતાના મોબાઈલ ના નેટ વડે અટકેલી કામગીરી પૂર્ણ કરતા હશે પરંતુ ડેપો માં ઠેર ઠેર લગાવેલા ફ્રી વાઇફાઇ ઝોનના પાટિયા હાલ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે.સરકાર તમામ જગ્યાઓ પર ઓનલાઇન સિસ્ટમ લાગુ કરવા મથામણ કરે છે પરંતુ વારંવાર સર્વરની રામાયણમાં રેશનકાર્ડ,બેંક સહિતની દરેક ઓનલાઇન બાબતો સર્વર ખોટકાતા શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહી છે.ત્યારે રાજપીપળા એસટી ડેપોમાં તો કયા કારણોસર વાઇફાઇ બંધ છે એ બાબતે કોઈ યોગ્ય જવાબ મળતો નથી માટે લાગતા વળગતા અધિકારીઓ વાઇફાઇ ઝોન નો ઉદ્દેશય સાર્થક કરવો જોઈએ.
બોક્ષ : આ બાબતે રશ્મિભાઈ પટેલ નામના એક મુસાફરે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે હું ડેપોમાં બુકીંગ કરાવવા ગયો ત્યારે ત્યાં હાજર સ્ટાફે તમારા મોબાઈલ દ્વારા ઓનલાઇન બુકીંગ કરી લો તેમ જણાવ્યા બાદ અમારું વાઇફાઇ બંધ છે,પાસ બારી પર કર્મચારી આવશે ત્યારબાદ બુકીંગ થશે તેવો જવાબ આપ્યો હતો.

(11:26 pm IST)