ગુજરાત
News of Sunday, 7th March 2021

અમદાવાદમાં મહિલા પત્રકારો, દિવ્યાંગ દિકરીઓ અને કોરોના વોરિયર્સ અને મહિલા કાર્યકરોનું સન્માન કરાશે

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે 30 વિદ્યાર્થીઓ ગીતો, નાટય અને કવિતા પ્રસંગો દ્વારા જાગુત્તિનોં સંદેશો આપશે: 50 વર્ષથી જનહીત, ગ્રાહક હિત માટે સમર્પિત મુકેશ પરીખને પણ સન્માનાશે

ગાંધીનગર: મહિલાઓની સુરક્ષા, સલામતિ, મહિલા જાગ્રુતિ, મહિલાના હક્કો અને અધિકારો તેમ જ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે તા.8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ નિમિત્તે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા આવતીકાલે 8મી માર્ચના રોજ સાંજના 6 વાગ્યે શહેરના નવરંગપુરા મીઠાખળી છ રસ્તા પાસે આવેલા લાયન્સ હોલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલેજના 30 વિદ્યાર્થી અને યુવાનો દ્વારા ગીતો, નાટય અને કવિતા પ્રસંગો મારફતે જાગરૂકતા માટેનો વિશેષ સંદેશો આપશે.

આ અંગે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે જણાવ્યું છે કે, મહિલાઓ ઘર, સંતાનોથી માંડીને દેશ ચલાવવા સુધીની સુઝબુઝ ધરાવે છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓએ ઝુંકાવીને પુરુષ સમોવડીની વાતને યથાર્થ સાબિત કરી દીધી છે. ત્યારે આ દેશમાં પોતાનું યોગદાન આપતી મહિલાઓનું સન્માન કરીને તેમને પ્રોત્સાહન આપવાની સાથોસાથ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપી બની રહે તે હેતુથી સંસ્થા દ્વારા દર વર્ષની માફક સંસ્થા આ વર્ષે પણ મહિલાઓના સન્માન કરવાની સાથોસાથ જાગ્રુતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં મહિલા પત્રકારો, દિવ્યાંગ દિકરીઓની અદ્દભૂત સિધ્ધિઓના સૌના માટે પ્રેરણા અને અખૂટ ઉર્જાનો ભંડાર હોવાથી તેમને બિરદાવી તથા આરોગ્ય ક્ષેત્રના નર્સ મહિલા કોરોના વોરિયર્સ અને મહિલા કાર્યકરોનું સન્માન કરવામાં આવશે. પ્રશસ્તિ પુરસ્કારનો શિલ્ડ આપી તેમનું બહુમાન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 50 વર્ષથી જનહીત અને ગ્રાહક હીત માટે સમર્પિત ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખનું પણ સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર શહેર-જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ ડી.ટી. સોની મુખ્ય મહેમાન પદે તથા અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલે તથા અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર (વહીવટ) અજયકુમાર ચૈધરી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહીને માર્ગદર્શન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થા દ્વારા ગ્રાહક દિન નિમિત્તે દર વર્ષે ગ્રાહકોને જાગ્રુતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તે જ રીતે મહિલા દિને મહિલાઓનું સન્માન કરીને સામાજિક દાયિત્વ પણ નિભાવી રહી છે.

(11:07 pm IST)