ગુજરાત
News of Sunday, 7th March 2021

અમેરિકામાં પટેલ દંપત્તિ પર ગોળીબાર : પત્નીનું મોત થયું

સુરતમાં રહેતા પરિવાર-સંબંધીઓમાં શોકનો માહોલ : લૂંટના ઈરાદે આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર

સુરત, તા. : અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર હુમલાઓની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે હવે ગુજરાતી દંપતી પર ફાયરિંગનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સુરતમાં રહેતા અને અમેરિકામાં ૨૦ વર્ષથી સ્થાયી થયેલા પટેલ દંપતી પર ગોળીબારની ઘટનામાં પત્નીનું કરૂણ મોત નીપજ્યું છે જ્યારે પતિ ગંભીર થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા અને મૂળ સુરતના ભરથાણાનો પટેલ પરિવાર છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકાના મેરિલેન્ડમાં સ્થાયી થયો હતો અને અહીંયા મોટેલનો બિઝનેસ ધરાવતા હતા. પત્ની ઉષાબેન અને પતિ દિલીપભાઈ શુક્રવારે હોટલ પર હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને લૂંટના ઈરાદે દંપતી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં ઉષાબેન અને દિલીપભાઈને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉષાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે દિલીપભાઈ હજી સારવાર હેઠળ છે.

ફાયરિંગની ઘટનાની જાણ થતાં સુરતમાં રહેતા પરિવારજનો અને સંબંધીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા તેમના સંબંધી દ્વારા જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર છેલ્લા કેટલાય સમયથી ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. લૂંટના ઈરાદે સૌથી વધારે ફાયરિંગના બનાવ બન્યા છે, જેમાં અનેક ગુજરાતીઓ મોતને ભેટ્યા છે.

(8:15 pm IST)