અમદાવાદમાં નશાની હાલતમાં કાર ચલાવી એક્ટિવા ચાલકને હડફેટે લેતા ચાલકની હાલત ગંભીર
અમદાવાદ:શહેરમાં દારૃ પીને કાર હંકારવાના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે.જેમાં સિંધુભવન રોડ પર દારૃના નશામા કાર ચલાવીને જઈ રહેલા શખ્સે એક્ટીવાને ટક્કર મારી હતી. જેમાં એક્ટીવા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અન્ય બે બનાવમાં પકવાન ચાર રસ્તા નજીક બે કાર અટકાવીને પોલીસે તપાસ કરતા છ શખ્સો દારૃ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પ્રથમ બનાવની વિગત મુજબ સિંધુભવન રોડ પર બજરંગ ચાર રસ્તા પાસેથી દારૃના નશામાં કાર હંકારીને જઈ રહેલા સાગર નવીનભાઈ પટેલે(૨૩) તેની આગળ જઈ રહેલા એક્ટીવાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક્ટીવા ચાલક રામતેજ ગીરીરવ ધોબી નીચે પટકાતા તેના માથામાં તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે બોડકદેવમાં રહેતા રામતેજે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.