ગુજરાત
News of Wednesday, 7th February 2018

મગફળી ગોડાઉનમાં લાગેલ આગ મામલે ઉંડી ચકાસણી

હજુ સુધી છ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છેઃ ઘટનાને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારે સીટને તપાસ સોંપી છે : બેદરકારોને છોડાશે નહીં : પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ,તા. ૭, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે ત્યારે કિસાનોના હિતમાં મુક્યમંત્રી વિજય રૃપાણીએ મગફળીની ખરીદી ટેકાના ભાવે કરી છે. આ ખરીદાયેલ મગફળીના સંગ્રહ માટે ગોંડલ ખાતેના ગોડાઉનમાં અકસ્માતે આગનો બનાવ બન્યો હતો અને ૨૧.૪૧ કરોડથી વધુ રકમની મગફળીના જથ્થાનો નાશ થયો છે. આ સંદર્ભે રાજ્ય સરકારે તપાસ માટે સીટની રચના કરી છે. સાથે સાથે સ્થાનિક કક્ષાએ પ્રાંત અધિકારીને પણ મેજિસ્ટેરિયલ ઇન્કવાયરી સોંપવામાં આવી છે જેની કામગીર યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા છ વય્ક્તિઓની ધરપકડ કરાઈ છે. ગુનામાં બીજા કોઇની પણ બેદરકારી હશે તો કોઇને પણ છોડવામાં આવશે નહીં. આ માટે વિવિધ પાસાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, ગોંડલના આ ગોડાઉનમાં લાગેલ આગ સંદર્ભે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા ગોડાઉન બહારથી નમૂના લઇ તપાસ ચાલુ છે. મગફળીમાંથી નિકળતા તેલને કારણે આગ ગોડાઉનમાં ચાલી હોઈ સંપૂર્ણપણે આગ ઓલવાઈ જાય ત્યારબાદ ફોરેન્સિક સાયન્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે. ભવિષ્યમાં આવા પ્રકારના ઘટના ન બને તે માટે રાજ્યમાં આવેલા મગફળીના ગોડાઉનોમાં સીસીસટીવી કેમેરા, ચોકીદાર, ફાયર સેફ્ટી અંગેના સાધનો દ્વારા સલામતી અંગેનું ફાયરસેફ્ટી ઓડિટ કરવા અંગે પણ સંબધિત કલેક્ટરોને સૂચનાઓ આપી દેવામાં આવી છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે, ગોંડલ સીટીના ઉબવાડા રોડ પર આવેલ રામરાજ્ય કોટેક્ષ પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં ૩૦મી જાન્યુઆરીના રોજ આગ લાગવા અંગે તરઘડીના મગનભાઈ ઝાલાવાડિયાએ જાણ કર ીહતી. આ ગોડાઉનમાં સૌરાષ્ટ્ર વિસ્તારની ૧૩ મંડળીઓની અંદાજે ૨૧.૪૧ કરોડની કિંમતની ૧૩૫૯૫૭ બોરીઓનો જથ્થો સંગ્રહ કરાયો હતો જેમાં આગ લાગવાથી આ જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આ બનાવને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લઇને તટસ્થ અને ન્યાયી તપાસ થાય તે માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક (સીઆઈડી ક્રાઈમ)ના અધ્યક્ષ સ્થાને ત્રણ નાયબ પોલીસ અધિક્ષક, ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર હેઠલ સીટની રચના કરવામાં આવી છે જેના દ્વારા તપાસ હાથ ધરાઈ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, સીટ દ્વારા તપાસ અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. રામરાજ્ય કોટેક્ષનું ગોડાઉન ગુજકોટ કંપની દ્વારા માસિક ચાર લાખના કરાર આધારિત ભાડાથી ભાડે લેવાયું હતું પરંતુ ગોડાઉનમાં દરવાજા ન હોવાથી દરવાજા લગાવવા માટે ૩૦મી જાન્યુઆરીના રોજ વેલ્ડિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોંગડલ ખાતેના ગોડાઉનમાં મગફળી ભરેલ બોરીઓનો સંગ્રહ કરેલો હોવાનું જાણવા છતાં અને વેલ્ડિંગ કામગીરીના તણખાથી આગ લાગવાની શક્યતાઓ હોવા છતાં દિનેશભાઈ ધીરુભાઈ સેલાણી તથા તેમના માણસો દ્વારા વેલ્ડિંગની કામગીરી હાથ ધરાઈ હતી. વેલ્ડિંગ કામ શરૃ કરતા તણખામાંથી આગ લાગતા ૨૧.૪૧ કરોડનો જથ્થો સળગી ગયો. આગથી અન્યની જિંદગી અથવા શારીરિક સલામતી જોખમમાં મુકે તેવી બેદરકારી ભર્યુ કૃત્ય કરવા તેમજ પુરાવાઓ નાશ કરવાના ઇરાદે વેલ્ડિંગ મશીન ત્યાંથી ખસેડી લેવાનો ગુનો કર્યો હોઇ આ છ વ્યક્તિઓ ઈપીકો કલમ ૪૩૬, ૨૦૧, ૧૧૪ હેઠળ ધરપકડ કરાઈ છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(10:09 pm IST)