ગુજરાત
News of Wednesday, 7th February 2018

ભીલાડ નજીક જવેલર્સની દુકાનમાંથી ધોળા દિવસે 30 તોલા દાગીનાની લૂંટથી ચકચાર

વાપી:ભિલાડ નજીકના સરીગામ મુખ્ય બજારમાં આવેલી જવેલર્સની દુકાનમાં ધોળે દિવસે ત્રણ હથિયારધારી લૂંટારૃઓએ  દુકાન માલિક સહિત ત્રણ વ્યક્તિ પર છરા વડે હુમલો કર્યો હતો. લૂંટારૃઓ દુકાનમાંથી અંદાજીત ૩૦૦ ગ્રામ સોનાના દાગીનાની દિલધડક લૂંટ ચલાવી કારમાં ભાગી છૂટયા હતા. સીસી ટીવીમાં આખી ઘટના કેદ થતાં પોલીસે ફુટેજના આધારે તપાસ આદરી છે. પોલીસ અને પ્રાપ્ત માહિતી અનુસાર ભિલાડ નજીકના સરીગામ મુખ્ય બજારમાં નારાયણ પૂજારામ કુંભારની પૂજા જવેલર્સ નામે દુકાન  છે. આજે સાંજે ત્રણ હથિયારધારી લૂંટારૃઓ દુકાનમાં ઘુસી ગયા હતા. બાદમાં દુકાનદારને ધાકધમકી  આપી છરા વડે હુમલો કર્યો હતો. જો કે સંજય કનોજીયા અને શશીકાંત નામના શખ્સ બચાવવા દોડી જતાં બંને પર પણ હુમલો કર્યો હતો. બાદમાં લૂંટારૃઓ શોકેસમાં રહેલા અંદાજીત ૩૦૦ ગ્રામ (૩૦ તોલા) સોનાના ઘરેણાંની દિલધડક લૂંટ ચલાવી કારમાં ભાગી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી જઈ ત્રણ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડયા હતા. ઘટનાની જાણ થતાં ભિલાડ પોલીસ મથકના પીએસઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લૂંટારૃઓને ઝબ્બે કરવા ચોમેરે નાકાબંધી ગોઠવી દીધી હતી. જો કે હજુ સુધી લૂંટારૃઓની ભાળ મળી ન હતી. દુકાનમાં લગાવવામાં આવેલા સીસી ટીવીમાં આખી ઘટના કેદ થતાં પોલીસે ફુટેજના આધારે તપાસ આદરી છે. સરીગામમાં ભરચક ગણાતા મુખ્ય બજારમાં ધોળે દહાડે લૂંટની ઘટનાને પગલે વેપારી સહિત લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

 

 

(6:10 pm IST)