ગુજરાત
News of Tuesday, 7th January 2020

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી

અમદાવાદમાં પારો ૧૬.૭ અને નલિયામાં ૧૧.૭ ઃ ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી જારી છે ત્યારે ગુજરાતભરમાં મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થયો

અમદાવાદ, તા.૭: અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં આજે મંગળવારના દિવસે વધારો થયો હતો જેથી ઠંડીમાં લોકોને આંશિક રાહત મળી હતી. જો કે, હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે જેથી તીવ્ર ઠંડીનો ચમકારો રહેશે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો વધ્યો હતો જેથી ઠંડીમાં રાહત મળી હત. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૬.૭ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૫ ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં નલિયામાં ૧૧.૬ સુધી પારો રહ્યો હતો. એકંદરે સામાન્ય લઘુત્તમ તાપમાન રહેતા લોકોને આજે મોટી રાહત મળી હતી. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ જોવા મળી રહી છે જેની અસર વચ્ચે તાપમાનમાં ફેરફાર થઇ શકે છે. આવતીકાલે અમદાવાદમાં આંશિકરીતે વાદળછાયુ વાતાવરણ રહેશે અને પારો ૧૬ ડિગ્રી રહેશે. નવા વર્ષની શરૃઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો ૧૬ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યો હતો. જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો. આજે રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો વલસાડમાં ૧૭.૧, દીવમાં ૧૭.૨, મહુવામાં ૧૭.૫ અને નલિયામાં ૧૧.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી ઘટવાના સંકેત છે. તીવ્ર ઠંડીનો ચમકારો સવારમાં ફરીવાર અનુભવાયો હતો.  આજે ગાંધીનગર અને અમદાવાદમાં પણ લોકોને ઠંડીથી રાહત મળી હતી અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૭

ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ........................................... લઘુત્તમ તાપમાન

અમદાવાદ.................................................... ૧૬.૭

ડિસા............................................................ ૧૪.૪

ગાંધીનગર....................................................... ૧૫

વીવીનગર.................................................... ૧૬.૯

વડોદરા........................................................ ૧૫.૪

સુરત........................................................... ૨૦.૨

વલસાડ........................................................ ૧૭.૧

અમરેલી........................................................... ૧૬

રાજકોટ............................................................ ૧૬

સુરેન્દ્રનગર...................................................... ૧૭

મહુવા.......................................................... ૧૭.૫

ભુજ............................................................. ૧૨.૮

નલિયા......................................................... ૧૧.૬

કંડલા એરપોર્ટ............................................... ૧૪.૮

(10:06 pm IST)