ગુજરાત
News of Tuesday, 7th January 2020

શહેરી વિસ્તારોમાં હેલ્મેટથી મુક્તિ માટે કેન્દ્રને પત્ર લખ્યો

હેલ્મેટ અંગેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે : મોટર વ્હીકલ એકટ સંદર્ભે સુપ્રીમકોર્ટના નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે : ગુજરાત સરકાર દ્વારા અપાયેલી પ્રતિક્રિયા

અમદાવાદ, તા.૭ : ગુજરાતમાં હેલ્મેટને ફરીથી ફરજિયાત કરવાને લઇને ટૂંકમાં જ નિર્ણય થઇ શકે છે. એવા સંકેત મળી રહ્યા છે કે, હવે સામાન્ય લોકોને રાહત મળશે નહીં. અલબત્ત ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં રાહત આપવા માટેની માંગ કરીને પત્ર લખ્યો છે પરંતુ અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં હેલ્મેટથી મુક્તિ મળશે કે કેમ તેને લઇને ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું છે કે, લોકોને રાહત આપવા માટે ગુજરાત સરકારે પગલા લીધા હતા પરંતુ હવે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે મુજબ ગુજરાત આગળ વધશે. રાજ્ય સરકાર હેલ્મેટ મામલે હજુ સુધી નક્કર નિર્ણય કરી શકી નથી. પહેલા કેન્દ્ર સરકારે ઘડેલો મોટર વ્હીકલ એક્ટ હળવા દંડ સાથે લાગુ કર્યો હતો.

                જો કે થોડા દિવસ બાદ શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કર્યું હતું. પરંતુ તેના થોડા દિવસ બાદ આ અંગે ખુલાસો કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે,પણ કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી. આ મામલે આજે રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. આ અંગે અમે કેન્દ્ર સરકારને રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે અંતિમ ગણાશે. થોડા દિવસ પહેલા રાજ્યના શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કરવા પર સુપ્રીમ કોર્ટે બનાવેલી રોડ એન્ડ સેફ્ટી કાઉન્સિલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે. જો રાજ્યમાં આ કાયદાની જરૂરિયાત ઉભી થશે તો તેને ફરી ફરજીયાત લાગુ કરવામાં આવશે. હેલ્મેટ મામલે કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, હેલ્મેટના કાયદામાં કોઈ ઢીલાશ રાખવામાં નહી આવે.

              જો કોઈ રાજ્ય સરકાર કાયદામાં ફેરફાર કરશે તો રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવશે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા હેલ્મેટના કાયદામાં ઢીલાશ અપાઈ હતી. આમ કેન્દ્રની આક્રમતા બાદ રાજ્ય સરકારે ફરીથી હેલ્મેટનો કાયદો ફરજીયાત કરી દીધો છે. નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી પર કેન્દ્રનું કડક વલણ જોવા મળ્યું હતું.

(8:29 pm IST)