ગુજરાત
News of Tuesday, 7th January 2020

હિંસા મુદ્દે ભાજપ-કોંગીના એકબીજા પર દોષારોપણ

એબીવીપી દ્વારા હુમલાનું પ્રિપ્લાનીંંગ હતુ : કોંગ્રેસ : કોંગ્રેસી કાર્યકરો એબીવીપીના કાર્યાલય પર હુમલો કરવા આવી રહ્યા હતા, જેથી સ્થિતિ વણસી : ભાજપના આક્ષેપો

અમદાવાદ, તા.૭ : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(જેએનયુ)માં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાના વિરોધમાં એનએસયુઆઇના પ્રદર્શન દરમ્યાન આજે મામલો બીચકતાં એબીવીપીના કાર્યકરો અને એનએસયુઆઇના કાર્યકરો વચ્ચે જોરદાર મારામારી અને લાકડી, ધોકા અને પાઇપો વડે હુમલો થતાં સમગ્ર ઘટનાના વરવા પ્રત્યાઘાત સામે આવી રહ્યા છે. બીજીબાજુ, પોતપોતાની ભગિની સંસ્થાઓના બચાવમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા અને બંને પક્ષના નેતાઓ દ્વારા મારામારીની ઘટનામાં એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને દોષારોપણ કરવામાં આવ્યા હતા, જેને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. ભાજપ યુવા મોરચાના વર્તમાન અધ્યક્ષ ઋત્વિજ પટેલ અને પૂર્વ અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલા અગાઉથી જ એબીવીપીના કાર્યાલયે હાજર હતા. એનએસયુઆઈના કાર્યકરો આવે એટલે કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે માટેનું પ્લાનીંગ પણ આ બંનેની આગેવાનીમાં જ થયું હોવાના કોંગ્રેસ તથા એનએસયુઆઈના નેતાઓના આક્ષેપો છે.

           જો કે, પાછળથી ઋત્વિજ પટેલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, આ પ્રકારનો હુમલો નિંદનીય છે અને ગાંધીના ગુજરાતમાં આવી હિંસાને કોઈ સ્થાન ન હોઈ શકે. જો કે, હુમલો કોણે કર્યો તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. દરમ્યાન ભાજપ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાએ આ હુમલા અંગે કહ્યું હતું કે, સંઘર્ષની શરૂઆત એનએસયુઆઈએ કરી હતી અને તેમણે ૨૪ કલાક પહેલાં મીડિયામાં આ હુમલાનું આહવાહન કર્યું ત્યારે કોંગ્રેસના કોઈ સિનિયર નેતાએ તેમને કેમ રોક્યા નહીં. કોંગ્રેસના કાર્યકરો જ્યારે એબીવીપીના કાર્યાલય પર હુમલો કરવા આવી રહ્યા હોય તો તે જાણીને શું એબીવીપીના કાર્યકરો બેસી રહે? પોતાના ઘર પર હુમલો થાય તો કોઈ પણ હિંસા પર ઉતરી આવે.

              બીજીબાજુ, કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ ભાજપ અને એબીવીપી પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ આખી પરિસ્થિતિને સમજવાની જરૂર છે કારણ કે જે રીતે એબીવીપીના કાર્યકરોએ પ્રિપ્લાન કરીને હુમલો કર્યો છે તે ઘણું બધુ કહી જાય છે. એનએસયુઆઈના કાર્યકરો તો લોકતાંત્રિક રીતે જેએનયુની હિંસા સંબંધે માત્રા રજૂઆત કરવા ગયા હતા. પરંતુ ભાજપ અને એબીવીપીના કાર્યકરોએ પૂર્વાયોજિત કાવતરું પાર પાડતા એનએસયુઆઈના કાર્યકરોને ઘેરીને બરાબરના માર્યા હતા. આમ, એબીવીપીનો ગુંડાગીરીનો ચહેરો દેશભરમાં ઉઘાડો પડી ગયોછે.

              એબીવીપી ભાજપની ભગિની સંસ્થા હોવાના નાતે તેને સરકારનું પીઠબળ અને ટેકો હોવાથી તે કાયદો હાથમાં લે તે કોઇપણ રીતે સાંખી લેવાય નહી. ગુજરાતની પ્રજા ભાજપ અને એબીવીપીના આ ચહેરો ખુલ્લો પડી જતાં હવે તેને ઓળખી ગઇ છે, જેનો જવાબ આગામી દિવસોમાં ખુદ જનતા જ આપશે. આ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ મારફતે સમગ્ર દેશમાં ખુલ્મખુલ્લાં ભાજપ વિરોધી લોકોને સરકારી છત્રછાયા નીચે પ્રતાડીત કરવામાં આવે છે. જેએનયુમાં ગઈકાલે જ ભાજપના પીઠબળ તળે કયાય એબીવીપીના કાર્યકર્તાઓને ક્યાંય સિવિલ ડ્રેસમાં સરકારી માણસોએ વિદ્યાર્થીઓને બેરહમી થઈ પીટવાનું પાપ કર્યું ત્યારે એના વિરોધમાં દેખાવો થઈ રહયા છે. ત્યારે અમદાવાદમાં પોલીસની છત્રછાયામા એબીવીપીના કાર્યકરોએ એનએસયુઆઇના કાર્યકર્તાઓને બેરહેમીથી માર મારીને લોહીલુહાણ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચાહે કેટલાય ખોટા કેસ થાય, ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, પીટવામાં આવે, ક્યાંય ફસાવવામાં આવે પણ કોંગ્રેસી કાર્યકર્તા પોતાના માટે પોતાના માટે દેશના માટે લડશે. મુખ્યમંત્રી પ્લેનમાં ઉડે છે. સરકાર હવામાં ઉડે છે. પતંગ મહોત્સવની આડમાં ક્યાંયને ક્યાંય રોજ બરોજ બાળકોના થતા મૃત્યુ ને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

(8:27 pm IST)