ગુજરાત
News of Tuesday, 7th January 2020

અમદાવાદ : ABVP-NSUI કાર્યકરો વચ્ચે જોરદાર મારામારી

બંને સંગઠનોના કાર્યકરો વચ્ચે લાકડી-ધોકા ઉછળતા તંગદિલી : એબીવીપી-એનએસયુઆઇના કાર્યકરોની બબાલ વખતે પોલીસ તમાશો જોતી રહી : ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પોલીસ કમિશનરની પાસે માંગેલો રિપોર્ટ

અમદાવાદ, તા.૭ : જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(જેએનયુ)માં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થીઓ પર હુમલો કરાતા દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે અમદાવાદમાં પણ જેએનયુવાળી થઇ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે સવારે અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વિરોધ પ્રદર્શન દરમ્યાન એક તબક્કે આમને-સામને આવી ગયા હતા અને લાકડી-ધોકા વડે સામ-સામે મારામારીના બહુ વરવા દ્રશ્યો સર્જાયા હતા. જેમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી લોહી લુહાણ થયા હતા. બીજીતરફ સ્થિતિને કાબૂમાં લેવાના નામે પોલીસે પણ એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો ઉઠયા છે, જેને લઇ સમગ્ર રાજકારણ ગરમાયું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત તેમના પાંચ કાર્યકરોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા હતા.

                તો, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ સમગ્ર ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે અને શહેર પોલીસ કમિશનર પાસે રિપોર્ટ પણ માગ્યો છે. આ હુમલામાં ઘાયલોના તાત્કાલિક નિવેદન લેવા માટે સૂચના આપી છે. આ મામલે એબીવીપીના પ્રવક્તા સમર્થ ભટ્ટે પ્રેસ કોન્ફરન્સ કરી એનએસયુઆઇ પર આક્ષેપો કરતા જણાવ્યું કે, એનએસયુઆઇ અને કોંગ્રેસના ગ્રુપમાં એબીવીપી કાર્યાલય પાલડી ખાતે ભેગા થવાના મેસેજો ફરતા કરવામાં આવ્યા હતા.કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર જ કાવતરું ઘડવામાં આવ્યું. તેઓ કોંગ્રેસના કાર્યાલય પરથી અહીં આવ્યા હતા. આ હુમલામાં એબીવીપીના આનંદ અને ભૌતિક પટેલ ઈજાગ્રસ્ત થયા છે.ઘર પર હુમલો કરે તો થોડું બેસી રહેવાય ? વ્હીકલને આગ લગાડવાનો પ્રયત્ન કર્યો હતો. એનએસયુઆઇના કાર્યકરો લાકડી અને પથ્થર લઈને યોજનાપૂર્વક આવ્યા હતા. આ ઘર્ષણ શાહનવાઝ શેખ,સુભાન સૈયદ, નારણ ભરવાડ વગેરેની આગેવાનીમાં થયું હતું અમે મારવા ગયા નથી. 

                    આ ગાંધીનો સમય નથી. એનએસયુઆઇની સાથે સાથે એબીવીપીઁના કાર્યકરોએ મીડિયાકર્મીઓ સાથે પણ બોલાચાલી કરી હતી. માત્ર એટલું જ નહીં, એબીવીપીએ મીડિયાને કાર્યાલયથી દૂર રાખ્યું હતું. એક કલાક પછી મીડિયાને અંદર આવી જોવા બોલાવી કહ્યું અમારી પાસે કોઈ લાકડી ધોકા નથી. જેએનયુમાં બુકાનીધારીઓના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો પર હુમલાના વિરોધમાં આજે સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી સ્થિત એબીવીપીના કાર્યાલય પાસેથી ઝંડા લઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી પહોંચ્યા ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય હતી પરંતુ એકાએક ઉહાપોહ મચી ગયો હતો અને વિરોધ પ્રદર્શન સમરાંગણમાં ફેલાઈ ગયું હતું. પાઈપો, લાકડીઓ અને ધોકાઓ લઈને દોડી આવેલા યુવાનોએ એનએસયુઆઈના કાર્યકરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું અને લાગ જોઈને ચોતરફથી ઘેરીને બરાબરના ફટકાર્યા હતા. એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ આક્ષેપ કર્યો હતો કે, તેમના કાર્યકરો તો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જે તેમનો અધિકાર છે. તેમણે ગઈકાલે સાંજથી જ આ માટે આહવાન પણ કરી દીધું હતું.

                પરંતુ એબીવીપીના કાર્યકરો અગાઉથી જ લાકડીઓ અને પાઈપો જેવા હથિયારો વડે સજ્જ હતા. જેવી અમારી રેલી તેમના કાર્યાલય પાસે પહોંચી કે તુરત તેઓ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે અમારી પર ચોતરફથી તૂટી પડ્યા હતા. તેમણે અમને ઘેરી લઈને અમારી પર હુમલો કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ આ હિંસા માટે જાણે અગાઉથી જ સૂચના હોય તે રીતે તેમણે એનએસયુઆઈના કાર્યકરોને જ નિશાન બનાવ્યા હતા. પોલીસ અચાનક દોડતી આવી અને એનએસયુઆઈના કાર્યકરોને એકલા પાડી-પાડીને તેમને ચોતરફથી ધોયા હતા. સંખ્યાબંધ કાર્યકરોને આ કારણે નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસની આવી વરવી ભૂમિકાને પણ પ્રજા માફ નહીં કરે તેમ નિખિલ સવાણીએ ઉમેર્યું હતું.

(8:25 pm IST)