આણંદ નજીક વિદ્યાનગર-બાકરોલ રોડ પર પોલીસના દરોડા: બપોરના સુમારે બનાવટી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું: ચાર શખ્સોની 81 હજારના મુદામાલ સાથે ધરપકડ
આણંદ:પાસેના વિદ્યાનગર-બાકરોલ રોડ ઉપર આવેલ ઈસ્કોન એજ્યુકેશન કન્સલ્ટન્ટની ઓફિસમાં ગઈકાલ બપોરના સુમારે વિદ્યાનગર પોલીસે ઓચિંતો છાપો મારીને બનાવટી માર્કશીટો અને શૈક્ષણિક દસ્તાવેજો બનાવી તેના આધારે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું મસમોટુ રેકેટ ઝડપી પાડયું હતું. શિક્ષણનગરી નજીકથી આ કૌભાંડ ઝડપાતા શિક્ષણ આલમમાં ભારે ચકચાર મચી છે. હાલ તો વિદ્યાનગર પોલીસે આ ઘટનામાં કુલ ચાર જેટલા શખ્શોની ધરપકડ કરી બનાવટી દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ મળી કુલ્લે રૂા.૮૧૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ શિક્ષણનગરી વિદ્યાનગરના બાકરોલ રોડ ઉપર આવેલ બાકરોલ સ્કવેર નામની બહુમાળી ઈમારતમાં ઈસ્કોન એજ્યુકેશનલ કન્સલ્ટન્ટમાં શિક્ષણને લગતા બોગસ દસ્તાવેજો બનાવી તેના આધારે વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ગુપ્ત બાતમી વિદ્યાનગર પોલીસ મથકના એક પોલીસકર્મીને મળી હતી. મળેલ ગુપ્ત બાતમીના આધારે વિદ્યાનગર પોલીસ મથકના પીઆઈ સહિતની ટીમે ગઈકાલ બપોરના સુમારે ઈસ્કોન એજ્યુકેશનલ કન્સલ્ટન્ટની ઓફિસમાં ઓચિંતો છાપો માર્યો હતો. જ્યાં ઓફિસમાં બે શખ્શો હાજર હતા.