ગુજરાત
News of Tuesday, 7th January 2020

મુંબઇ-અમદાવાદ વચ્ચે શતાબ્દી ટ્રેનમાં એક્સપાયરી ડેઇટવાળો નાસ્તો અપાતા મહિલા યાત્રીઓથી તબિયત લથડી

સુરત : મુંબઈથી સુરત પોંક અને ઊંધિયાની પાર્ટી કરવા આવી રહેલી 32 મહિલાઓને શતાબ્દી ટ્રેનમાં કડવો અનુભવ થયો હતો. શતાબ્દી ટ્રેનમાં મળનાર એક્સપાયરી ડેટનો નાસ્તા કરવાના કારણે આશરે ચારથી વધુ મહિલાઓને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. આ મહિલાયાત્રીઓએ ચેન પુલિંગ કરીને ટ્રેન રોકતા આખો મામલો સામે આવ્યો હતો. શતાબ્દી ટ્રેનમાં બનેલી આ ગંભીર ઘટના બાદ રેલવે વિભાગે તપાસના આદેશ આપી દીધા છે.

આ ઘટનાની વિગતો જોઈએ તો સુરતથી અમદાવાદ જનારી શતાબ્દી ટ્રેનમાં યાત્રીઓને જે નાસ્તો આપવામાં આવ્યો હતો એ એક્સપાયરી ડેટનો હતો. આ નાસ્તો કરતા કેટલીક મહિલાયાત્રીઓની તબિયત લથડી હતી. નાસ્તાના કવર પર તપાસ કરવામાં આવી ત્યારે તેના એક્સપાયરી ડેટ હોવાનું જોતા બધા ચોંકી ગયા હતા. સુરત પોંક પાર્ટી કરવા આવી રહેલી આ તમામ મહિલાઓને જે નાસ્તો આપવામાં આવ્યો હતો એમાં બ્રેડ અને બટરમાં ફંગસ જોવા મળી હતી. ટ્રેનેમાં 6થી વધુ મહિલાઓને ફૂડ પોઇઝનિંગ થતા તંત્ર પણ હરકતમાં આવી ગયું.

ટ્રેનમાં મહિલાઓની તબિયત ખરાબ થતા અન્ય મહિલાઓએ ભેસ્તાન સ્ટેશન પર ચેન પુલિંગ કરી ટ્રેન રોકી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ડોક્ટરોની ટીમ પહોંચી હતી અને બીમાર થનાર મહિલાઓની સારવાર શરૂ કરી દીધી હતી. આ તમામ મહિલા યાત્રીઓ ગુજરાતની છે જે મુંબઈમાં રહેતી હતી. મહિલાઓની સ્થિતિ જોઈ તાત્કાલિક રેલવે વિભાગ પણ હરકતમાં આવ્યો હતો અને શતાબ્દીમાં નાસ્તો આપનાર સનસાઈન એજન્સી સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રેનમાં આપવામાં આવેલ ફૂડનું પણ સેમ્પલ લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું હતું.

(4:27 pm IST)