ગુજરાત
News of Monday, 6th December 2021

કોરોના ભૂલીને લોકો લગ્નો, મેળાવડામાં મહાલ્યા : હોલ,પાર્ટી પ્લોટ, હોટલ હાઉસફુલ

તકેદારીની અવગણના ચિંતાજનક : લગ્ન ઉપરાંત સામાજિક ગેટ ટુ ગેધર, નવા વેપાર કે ધંધાના ઉદઘાટન પણ થાય : લોકો કોરોના પ્રોટોકોલ ભૂલીને બજારમાં ખરીદી કરવા ઉમટી પડ્યા : પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને જોઇ રહી

અમદાવાદ,તા. ૬: દિવાળી બાદ શુભ મુહૂર્ત શરૂ થઈ જતાં શહેરમાં ઠેરઠેર લગ્નો, સત્કાર સમારંભ સામાજિક ગેટ ટુ ગેધર અને અન્ય કાર્યક્રમો શરૂ થઈ ગયા છે.  રવિવારે લોકો ફ્રી હોવાથી તમામ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોના આયોજન રવિવારે રાખવાના આગ્રહ રાખવામાં આવતા હોય છે. રવિવારે સવારથી જ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો ને લઈને લોકો બહાર ફરતા નજરે પડતા હતા. રવિવારે ખૂબ જ મોટી સંખ્યામાં લગ્ન યોજાયા હોવાથી જાનૈયા લગ્નમાં મહાલતા કે ડીજેના તાલે ઝૂમતા નજરે પડતા હતા. રવિવારે શહેરના તમામ પાર્ટીપ્લોટ હોલ અને હોટલો તેમજ કોમ્યુનિટી હોલ બુક થઈ ગયા હતા.

લાંબા સમય બાદ સરકારે ધામધૂમથી લગ્ન કરવા અને બંને પક્ષે ગણતરીના મહેમાનના બદલે વધારે મહેમાનોને આમંત્રણ આપવાની છૂટ આપવામાં આવી છે. જેને પગલે લોકો ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે ઘણા લોકોએ ગત વર્ષે મહામારીના કારલે લગ્ન રદ કર્યા હતા તેઓ ચાલુ વર્ષે લગ્નમાં કોઈ જ કસર રહી જાય નહીં તેની તકેદારી રાખી રહ્યા છે. લગ્ન માટેધૂમ ખરીદી કરવા ઉપરાંત ઝાકમઝોળ રાસ ગરબા ડીજેના તાલે વરદ્યોડા અને જોરદાર રિસેપ્શન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.સોના-ચાંદી બજારના વેપારીથી માંડીને પગરખાના વેપારીઓ આનંદમાં આવી ગયા છે. કેમ કે તમામ બજારોમાં અસાધારણ ખરીદી જોવા મળી રહી છે. લગ્ન સરસરો શરુ થયો ત્યારથી જ તમામ વેપાર ધંધાને રાહત થઈ છે. બજારમાંથી અદ્રશ્ય થઈ ગયેલા રૂપિયા જાણે કે ફરી બજારમાં ફરતા થયા હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે અમદાવાદમાં મોટી સંખ્યામાં લગ્ન સમારંભ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

દેશ-દુનિયામાં એકતરફ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન તરખાટ મચાવી રહ્યો છે ત્યારે બીજીતરફ અમદાવાદ શહેરમાં જાણે કોરોના હોય જ નહીં એ રીતે નાગરિકો બિન્દાસ વર્તી રહ્યાં છે અને લગ્નસરાની ખરીદી માટે ઉમટી રહ્યાં છે. મધ્યમ વર્ગ માટે જાણીતા અમદાવાદના ભદ્ર પ્લાઝા અને ત્રણ દરવાજા વિસ્તારમાં રવિવારે લોકોએ કોરોના પ્રોટોકોલ નેવે મૂકીને ખરીદી કરી હતી. આશ્ચર્યની બાબત એ હતી કે, આ ભીડભાડના દૃશ્યો પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી હતી. અમદાવાદના ગીતામંદિર સ્થિત એસ.ટી. સ્ટેન્ડ પર આ જપ્રકારના દશ્યો જોવા મળ્યા હતા. લગ્નસરાની મોસમ પુરબહારમાં ખીલી હોવાથી અસંખ્ય મુસાફરો બસ સ્ટેન્ડમાં ટોળે વળ્યા હતા અને કોઈએ માસ્ક પહેરવાની પણ તસ્દી લીધી નથી. એકતરફ સરકાર કોરોનાની SOP જાહેર કરીને નાગરિકોને કોરોના પ્રોટોકોલનું ચુસ્ત રીતે પાલન કરવા અપીલ કરી રહી છે, પરતુ લોકોના મનમાંથી જાણે કોરોનાના ! છ મહિના અગાઉના બિહામણી યાદ ભૂલાઈ ગઈ હોગ તેવી સ્થિતી પ્રવર્તી રહી છે. કોરોનાના ફેલાવો અટકાવવા માસ્ક પહેરવું ફરજિયાત હોવા છતાં આજે પણ અનેક વાહનચાલકો અને રાહદારીઓ માસ્ક વિના બિંદાસ્ત ફરી રહ્યાં છે. (૨૨.૧૦)

ઓમિક્રોન અત્યારે સુપર સ્પ્રેડર છે, ભયાનક બની શકે

ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેરમાં વાયરસ સુપર સ્પ્રેડર બનીને ત્રાટકયો હતો. જો કે ત્યારે અસંખ્ય લોકો તેની ઝપટમાં આવ્યા, પરંતુ બહુ જાનહાની થઇ નહોતી. આ વાયરસે બીજી લહેરમાં સ્વરૂપ બદલ્યુ અને એવો જીવલેણ સાબિત થયો કે, અનેક પરિવાર તેના ભોગ બન્યા હતા. અસંખ્ય લોકોએ જીવ ગુમાવવો પડયો હતો. આ સંજોગોમાં કોરોનાને હળવાથી ન લેવાની સલાહ આપતા તબીબો સુત્રો કહે છે કે લોકોએ કોરોનાના પ્રોટોકોલનું સ્વયંભુ પાલન કરવું જરૂરી છે. નહીંતર એક ભૂલની આકરી કિંમત ચુકવવી પડશે.

ઓમિક્રોન સામે સરકારની તૈયારી કેટલી ?

ઓમિક્રોનને લઇને રાજ્ય સરકારે, કુલ ૮૭,૯૫૯ બેડની વ્યવસ્થા કરી છે. હાલમાં રાજ્યમાં આઇસીયુ વિથ વેન્ટિલેટર સાથેના ૬૫૫૧ બેડ ઉપલબ્ધ છે. ૬૨૯૮ આઇસીયુ બેડ, ૪૮,૭૪૪ ઓકિસજન બેડ, ૧૯,૭૬૩ જનરલ બેડની વ્યવસ્થા છે. બાળકો માટે ૫૯૭ વેન્ટિલેટર, ૧૦૬૧ આઇસીયુ, ૩૨૧૯ ઓકિસજન અને ૨૩૪૨ જનરલ બેડની વ્યવસ્થા છે. રેમડેસિવીરનો ૩,૩૪,૯૭૩ સ્ટોક ઉપલબ્ધ છે. એમ્ફોટેરિસીન બી, ટોસિલિઝુમેબ, ફેવિપીરાવીર ટેબનો પુરતો સ્ટોક છે. ૧૨૧ આરટીપીસીઆર લેબોરેટરી ઉપલબ્ધ છે. જેમાં ૫૮ સરકારી અને ૬૩ પ્રાઇવેટ લેબોરેટરી છે. ગુજરાતમાં ૯૩.૩ ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તો, રાજ્યમાં હજુ પણ ૩૩,૨૬,૭૯૪ લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે. કુલ ૪૦,૩૧,૪૫૫ લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે.

(10:32 am IST)