ગુજરાત
News of Friday, 6th December 2019

એન્કાઉન્ટર જનઆક્રોશનું જ પરિણામ છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

હૈદરાબાદ એન્કાઉન્ટર અંગે પ્રતિક્રિયા આપી : હૈદરાબાદ પોલીસે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય કર્ર્યો : પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ, તા. : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હૈદરાબાદ બળાત્કાર અને હત્યા મામલામાં ચારેય નરાધમોને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ચારેય આરોપીઓને ઠાર મારી દેવાની બાબત અપરાધની સામે લોકોમાં જનઆક્રોશ છે. હૈદરાબાદ એન્કાઉન્ટર જનઆક્રોશનું પરિણામ છે. રૂપાણીએ કહ્યું હતું કે, તબીબની સાથે બનેલી ઘટનાથી વ્યાપક સ્થળ પર લોકોમાં નારાજગી હતી. તાપી જીલ્લાના સોનગઢમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, લોકોની અંદર એવી ભાવના હતી કે અમાનનીય અપરાધ કરનારને કઠોર સજા થવી જોઈએ. દેશના લોકોની વચ્ચે ખુબ આક્રોશની ભાવના હતી. આનુ પરિણામ એન્કાઉન્ટરના રૂપમાં જોવા મળ્યું છે.

               આ ઘટના વખતે થઈ હતી જ્યારે આરોપીઓને તપાસ હેઠળ ઘટના સ્થળે લઈ જવાયા હતા. મહિલા ડોકટર પર બળાત્કાર કરી જીવતી સળગાવી મૂકનાર ચારેય આરોપીના એન્કાઉન્ટરની હૈદરાબાદ પોલીસ કામગીરીને ગુજરાત સરકારે યોગ્ય ઠેરવી છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ હતુ કે, તબીબ યુવતી પર દુષ્કર્મની ઘટનાથી સમગ્ર દેશ વ્યથિત હતો અને હૈદરાબાદ પોલીસ કામગીરી કરી રહી હતી. જોકે તેની ધરપકડ બાદ જે રીતે આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પોલીસે ઉભી થયેલી  સ્થિતિ મુજબ કાર્યવાહી કરી હતી અને સંજોગોમાં યોગ્ય નિર્ણય કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસે આને લઈને ખુબ સાવધાની રીતે પ્રતિક્રિયા આપી છે.

(8:45 pm IST)