ગુજરાત
News of Friday, 6th December 2019

સુરતમાં ટોઇંગ કરાયેલા વાહનોના માલિકો પાસેથી સમાધાન શુલ્કના રૂપિયાના બદલે રૂ.૨૦૦ લઇને બારોબાર વાહન ચાલકોને વાહનો આપી દેનાર ટીઆરબી જવાનનો વીડિયો વાયરલ

અમદાવાદ : સરકારી વિભાગમાં ભારે ભ્રષ્ટ્રાચાર ચાલે છે અને તેના બોલતા પુરાવાઓ પણ અનેક છે, ત્યારે સરકારમાં કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને પણ આવો જ રંગ લાગ્યો છે. સુરતના ચૌપાટી પાસે અઠવા ગેટ ખાતેની ટ્રાફિક એસીપીની ઓફિસ બહાર ટોઈંગ કરીને આવતા વાહનોના માલિકો પાસેથી સમાધાન શૂક્લના રૂપિયા નહીં લઈને માત્ર રૂ 200 રૂપિયા લઈને બારોબાર વાહનો આપી દેનાર ટીઆરબી જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

ડીસીપી ટ્રાફિકે તત્કાલિક અસરથી ટીઆરબી જવાનની સર્વિસને ટર્મિનેટ કરી નાખ્યો છે. સુરતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો હતો, જેમાં નો પાર્કિંગમાં પાર્ક વાહનોને ટ્રાફિકની ક્રેન ટો કરીને નક્કી કરેલા સેન્ટરો પર મુકવામાં આવે છે. અહીં વાહનનાં માલિકોએ જાતે આવી દંડ ભરીને પોતાનું વાહન છોડાવવાનું હોય છે. સરકારે નક્કી કરેલા ડર અનુસાર બાઇક-મોપેડ માટે 589 રૂપિયાનો દંડ ભરવાનો હોય છે. બુધવારે બપોરનાં સમયે અઠવા ગેટ પર ચોપાટી પાસેના ટ્રાફિક એસીપીની ઓફિસ પાસે અનેક વાહનો ટોઈંગ કરીને લાવામાં આવ્યા હતા.

એક વાહનનો માલિક અહીં હાજર સંદીપ નામના ટીઆરબી જવાનને મળે છે. બાઇકના  માલિકે જયારે પોતાની બાઈક અંગે વાત કરી તો સંદીપ રામજાને એવું કહ્યું હતું કે આમતો 500 રૂપિયાનો દંડ થશે પરતું જો તમે 200 રૂપિયા આપી દો તો બાઈક તમને મળી જશે. ટીઆરબી જવાન રૂપિયા લે છે અને જવા દે છે આમ સીધો ભ્રષ્ટ્રાચાર થતો હોવાનું સામે આવતા યુવકે તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. વીડિયો વાઈરલ થતા ટ્રાફિક વિભાગના ડીસીપી પ્રશાંત સુમ્બે સુધી પહોંચતા ટીઆરબી જવાનની સર્વિસને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરી દેવામાં આવી હતી. તો બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ તપાસ સોંપવામાં આવી હતી. ડીસીપી પ્રશાંત સુમ્બેએ જણાવ્યું હતું કે જો કોઈ પોલીસવાળાની ભૂમિકા હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે.

(5:00 pm IST)