ગુજરાત
News of Friday, 6th December 2019

સુરતના સાડીના વેપારીએ ફિલ્મીઢબે 53.72 લખો માલ મંગાવી પેમેન્ટ ન કરતા ફરિયાદ

સુરતના રીંગરોડના સાડીના વેપારી પાસેથી મુંબઇના વેપારી અને દલાલ પિતા-પુત્રએ જાતે પણ કુલ રૂ.53.72 લાખની સાડી મગાવી પેમેન્ટ કર્યા વગર તમામ ઉઠમણું કરી ફરાર થઇ જતા સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધનામાં પોસ્ટલ સોસાયટીમાં રહેતા 33 વર્ષીય મનીષભાઈ નેમીચંદ કાવડીયાની રીંગરોડ મિલેનિયમ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં મિલ્ટન ફેશનના નામે સાડીની દુકાન ધરાવે છે. રીંગરોડ ટ્રેડ સેન્ટરના પ્રતિક ક્રિએશનના નામે દલાલી કરતા પ્રતિક બિપીનકુમાર શારડા અને ત્યાં જ લાહોટી એજન્સીઝના નામે દલાલી કરતા તેના પિતા બિપીનકુમાર ઘનશ્યામદાસ શારડા ઉર્ફે છોટુભાઈ લાહોટીએ જુન-2018માં તેમની દુકાને જઇ બહાગામની પાર્ટીઓ છે કહીને સાડીનો જથ્થો મગાવી સમયસર પેમેન્ટ કર્યું હતું.ત્યારબાદ મનીષભાઈએ બંનેના કહેવાથી રૂ.16,06,500 ની મત્તાની સાડી મુંબઈના કાલબાદેવીમાં ચામુંડા ક્રિએશનના નામે વેપાર કરતા રતનભાઈને મોકલી હતી. પણ તેનું પેમેન્ટ સમયસર મળ્યું નહોતું. પખવાડીયા બાદ પિતા-પુત્રએ પણ વધુ ભાવ આપીશું કહીને જુન થી સપ્ટેમ્બર-2018 દરમિયાન  રૂ.44,49,377 ની સાડી ખરીદી હતી.પેમેન્ટના વાયદા બાદ પિતા-પુત્ર ઓફિસ બંધ કરી ભાગી ગયા હતા. મનિષભાઇએ કુલ રૂ.53,72,276 ની ઠગાઇની ફરિયાદ નોંધાવી છેઉઠમણું કરનાર પિતા-પુત્ર વિરુદ્ધ ગત સપ્ટેમ્બર માસમાં ઉધના પોલીસ મથકમાં રૂ.72.83 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી.

(4:31 pm IST)