ગુજરાત
News of Friday, 6th December 2019

ખેલાડી જિલ્લામાં એક મહિનામાં 50થી વધુ અકસ્માતના બનાવ નોંધાયા

ખેડા:  જિલ્લામાં દિનપ્રતિદિન વધતાં જતાં માર્ગ અકસ્માતના બનાવો અને તેને લીધે થતાં મૃત્યુઆંકમાં નોંધાતો વધારો ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. ગત નવેમ્બર માસ દરમિયાન જિલ્લાના વિવિધ ઠેકાણે માર્ગ અકસ્માતના ૫૦ કરતાં વધુ બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતાં. જેમાં આઠ વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યાં હતાં. જ્યારે ૮૦ કરતાં વધુ વ્યક્તિઓને વત્તા-ઓછા પ્રમાણમાં ઈજા પહોંચી હતી.
ગત નવેમ્બર માસ દરમિયાન ખેડા જિલ્લાના વિવિધ ઠેકાણે માર્ગ અકસ્માતના કુલ ૫૦ કરતાં વધુ બનાવો બન્યાં હતાં. મુખ્ય રોડ-રસ્તાં, શહેર તેમજ ગામડાના માર્ગો પર અકસ્માતો સર્જાયા હતા. ઉપરાંત કેટલાક અકસ્માતોમાં વાહનચાલકો-રાહદારીઓને સામાન્ય ઈજાઓ થવાથી આવા બનાવો પોલીસ મથક સુધી પહોંચતા નથી. પોલીસ ચોપડે નોંધાયા હોય અને ઈજા થઈ હોય એવા બનાવોની સંખ્યા જોવા જઈએ તો આનાથી અનેકગણી વધારે હોય શકે છે. આંકડો ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે અકસ્માતના બનાવોમાં નિયંત્રણ મેળવવા માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી જાગૃતજનોની માંગ ઉઠવા પામી છે.

(4:28 pm IST)