ગુજરાત
News of Friday, 6th December 2019

સ્માર્ટ સીટી એટલે સૌથી વધુ રહેવા લાયક શહેર, એને અનુરૂપ બધી સુવિધા આપીએઃ લોચન સહેરા

વહીવટી તંત્રને શહેરી વિકાસ સચિવનો અનુરોધ

રાજકોટ તા.૬: દાહોદ નગરને સ્માર્ટ સિટી બનાવવા માટે કેન્દ્ર સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રકારના વિકાસ કામોની આજે કલેકટર કચેરી ખાતે શહેરી વિકાસ વિભાગના સચિવ શ્રી લોચન સહેરાએ સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં તેમણે જણાવ્યું કે, સ્માર્ટ સિટી અંતર્ગત લેવામાં આવતા કામોથી લોકોને નગરમાં સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓને ટેકનોલોજી સાથે સાંકળીને વધુ સરળતાથી પ્રદાન કરી શકાય છે. સ્માર્ટ સિટી એટલે મોસ્ટ લિવેબલનગર અને ત્યાં વસતા નાગરિકોને અનુકુળ હોય એવી સુવિધા પ્રદાન કરવાનું લક્ષ્ય, તે અનુસાર કેવી રીતે કામ કરી શકાય તે અંગે સચિવએ માર્ગદર્શન આપ્યું હતું.

બાદમાં સચિવશ્રી સહેરાએ કલેકટર કચેરીમાં હાલમાં કાર્યરત ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં થતી કામગીરી નિહાળી હતી. તેમણે સ્માર્ટ પોલ અને આઇસીસીએસની નવી બનનારી બિલ્ડીંગની સાઇટ વિઝીટ પણ કરી હતી.

બેઠકમાં આર.એસ.સી.શ્રી એમ.જે.દવે તથા નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી અતુલ સિંહા પણ ઉપસ્થિત રહ્યા હતા

(11:44 am IST)