ગુજરાત
News of Friday, 6th December 2019

આઇટી એસેસમેન્ટઃ નોટબંધી સમયના હિસાબો મંગાવાયા

ફેસલેસ સ્ક્રૂટિની અને એસેસમેન્ટનો અમલ શરૃઃ નોટબંધી અને તે પૂર્વેના બેના હિસાબો રજૂ કરવા કરદાતાઓને સૂચનાઃ ટાર્ગેટ પૂરો કરવા ઇનકમ ટેકસ અધિકારીઓનું હાઇપીચ એસેસમેન્ટ શરૂ

અમદાવાદ, તા.૬: આયકર વિભાગે ફેસલેસ સ્ક્રૂટિની અને એસેસમેન્ટનો અમલ શરૂ કરી દીધો છે. હાલ હિસાબી વર્ષ ૨૦૧૬-૧૭ના ચાલી રહેલા એસેસમેન્ટમાં અધિકારીઓ ટાર્ગેટ પૂરો કરવા હાઇપીચ(અતિશય વધારે) એસેસમેન્ટ કરી રહ્યા હોવાની કરદાતાઓની ફરિયાદ છે. અધિકારીઓ કરદાતાઓ પાસેથી અગાઉના વર્ષોના હિસાબો, નફા-નુકસાનની વિગતો તથા બેંક સ્ટેટમેન્ટ મગાવવામાં આવી રહ્યા છે. કરદાતાએ જે આવક બતાવી હોય તેમાં એડિશન કરીને તેના પર વધુમાં વધુ ટેકસ વસૂલ કેવી રીતે થાય તે માટેના પ્રયાસ થઇ રહ્યા હોવાની કરદાતાઓની ફરિયાદ છે. જોકે, ટેકસ પ્રેકિટશનર્સનું કહેવું છે કે હાઇપીચ એસેસમેન્ટ તમામ કેસ અપીલમાં જશે તો આગામી સમયમાં અપીલ કમિશનરનું ભારણ વધી જશે.

ગુજરાત આયકર વિભાગ છેલ્લા બે વર્ષથી ટાર્ગેટ પૂરો કરવામાં ઊણો ઊતરી રહ્યો છે. તેથી જ ચાલુ વર્ષે ટાર્ગેટ પૂરો કરવા અધિકારી અડેધડ એસેસમેન્ટ કરી રહ્યા હોવાની ફરિયાદો વધી રહી છે. ટેકટ એડવોકેટ પ્રમોદ પોપટના જણાવ્યા મુજબ હાલ હિસાબી વર્ષ ૨૦૧૬-૧૭નું એસેસમેન્ટ ચાલી રહ્યું છે. ૨૦૧૬માં નોટબંધીને કારણે તમામ લોકોએ પોતાના પાસેની રોકડ રકમ બેંકમાં જમા કરાવી દેવી પડી હતી. હવે આયકર અધિકારીઓ નોટબંધી અગાઉના વર્ષે જે-તે કરદાતાએ કેટલા રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા અને રિટર્નમાં શું બતાવ્યું હતું તેની નોટબંધીના વર્ષ સાથે સરખામણી કરીને કરદાતાઓને પરેશાન કરી રહ્યા છે. દ્યણા લોકોએ કરોડો રૂપિયાનું કાળુ નાણું બેંકમાં જમા કરાવ્યું તેની તપાસ થવી જોઇએ પરંતુ જે લોકોએ બચત બેંકમાં જમા કરાવી છે તેમને પણ પરેશાન કરવામાં આવી રહ્યા હોવાથી કરદાતાઓમાં નારાજગી છે.

ફેસલેસ સિસ્ટમના ભાગરૂપે અમદાવાદની તમામ ઇનકમ ટેકસ ઓફિસમાં કરદાતાઓના વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી. તેથી તમામ ટેકસ પ્રેકિટશનર્સ નારાજ થયા હતા. આ મુદ્દે ઊઠેલા વિવાદ બાદ ડિપાર્ટમેન્ટ અધિકારીની પૂર્વ મંજૂરી લઇને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા એડવોકેટ જે-તે અધિકારીની મુલાકાત લઇ શકશે. અધિકારીઓ દ્યણી વખત ટેકસ એડવોકેટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદથી ભ્રષ્ટાચાર કરતા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી હતી.

નોટબંધી ટાણે જે કરદાતાએ પોતાના ખાતામાં રૂ. ૨૦ લાખ કે તેથી વધુ જમા કરાવ્યા હતા તે તમામના ફરજિયાત એસેસમેન્ટ કરવામાં આવી રહ્યા છે. તેમને રૂપિયા કયાંથી આવ્યા? તથા અગાઉના વર્ષોમાં જે ખાતામાં ચોક્કસ રકમ કરતાં વધુ જમા નહોતા થયા તે નોટબંધી ટાણે એકાએક લાખો રૂપિયા કેવી રીતે જમા થાય તેના ખુલાસા પૂછવામાં આવી રહ્યા છે.

નોટબંધી વખતે લોકોએ પોતાની પાસેની જે રોકડ બચત હતી તે ફરજિયાતપણે બેંકમાં જમા કરાવી દીધી હતી. હવે હિસાબી વર્ષ ૧૬-૧૭ના એસેસમેન્ટ ચાલી રહ્યા છે. અધિકારીઓ કરદાતાઓ પાસેથી હિસાબી વર્ષ ૧૬-૧૭ની સરખામણી કરી વર્ષ ૧૪-૧૫ અને ૧૫-૧૬ના હિસાબો અને બેંક સ્ટેટમેન્ટ મગાવી રહ્યા છે. નોટબંધીના વર્ષના હિસાબો સાથે જૂના વર્ષના હિસાબોની સરખામણી કરવામાં આવી રહી છે. જેમાં ઓછી આવક અને ઓછો નફો બતાવનાર વેપારીઓના આડેધડ એસેસમેન્ટ કરીને તેમની પાસેથી વધુ ટેકસ જમા કરાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે.

(10:03 am IST)