ગુજરાત
News of Friday, 6th December 2019

જીટીયુની બધી કામગીરીનો બહિષ્કાર કરવાની ચેતવણી

પરીક્ષા પદ્ધિતમાં ફેરફાર સહિતની માંગ રજૂઃ જીટીયુ સંલગ્ન ડીપ્લોમાં સંસ્થાઓના પ્રિન્સિપાલ-ખાતાના વડાઓએ જીટીયુ અધિકારીઓને મળી ઉગ્ર રજૂઆત કરી

અમદાવાદ, તા.૫: જીટીયુ સલગ્ન ડીપ્લોમાં સંસ્થાઓના પ્રિન્સીપાલ અને ખાતાના વડાઓએ દ્વારા આજરોજ વિવિધ પ્રશ્નોની રજૂઆત મુદ્દે જીટીયુ સત્તાધીશોની રૂબરૂ મુલાકાત લઇ તેમના પડતર પ્રશ્નોના નિવારણ માટે ઉગ્ર માંગ કરી હતી. જીટીયુ સલગ્ન ડીપ્લોમાં સંસ્થાઓના પ્રિન્સીપાલ અને ખાતાના વડાઓએ એક તબક્કે જો તેમની માંગણીઓ નહી સંતોષાય તો આગામી દિવસોમાં જીટીયુની કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. રાજયની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) છાશવારે કોઇને કોઇ વિવાદમાં આવતી રહે છે. આજરોજ  જીટીયુ સલગ્ન સંસ્થાના પ્રિન્સિપાલ તથા ખાતાના વડાઓ  દ્વારા તેમના વિવિધ પ્રશ્નોની રજૂઆત જીટીયુના રજીસ્ટારને મળી પોતાના વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણને લઇ ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆત કરવા આવેલા પ્રતિનિધિમંડળ તરફથી જીટીયુ સલગ્ન સંસ્થાના કર્મચારી જો જીટીયુની કામગીરી દરમ્યાન મૃત્યુ પામે તો તેને રૂ.૨૫ લાખનો વીમો પૂરો પાડવો, જીટીયુની ખરાબ પરીક્ષા પધ્ધતિના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા તેમના અસિતત્વ જોખમમાં મુકાયું છે તેથી જીટીયુની પરીક્ષા પધ્ધતિમાં ધરખમ ફેરફાર કરવા સહિતની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. સંસ્થાના કર્મચારીઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, જીટીયુ રાજ્યની પ્રાઇવેટ યુનિવર્સીટીઓને ફાયદો કરાવવા માટે જીટીયુના નિયમ કડક બનાવે છે જેથી વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સીટી બાજુ વળે. આ ઉપરાંત જીટીયુ દ્વારા ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે, ડિપ્લોમાં સ્વનિર્ભર કે સરકારી સંસ્થામાં નોકરી કરતો સ્ટાફ જો પીએચડી થયો હોય તો તે જીટીયુમાં કોઈ પીએચડી કરતા વિદ્યાર્થીના ગાઈડ ના રહી શકે તે નિયમનો પણ જોરદાર વિરોધ થયો હતો. આ સિવાય પણ અન્ય પ્રશ્નો અને  સમસ્યાઓને લઇ પ્રતિનિધિમંડળ તરફથી અસરકારક રજૂઆત કરવામાં આવી હતી અને એક તબક્કે એવી ગર્ભિત ચીમકી આપવામાં આવી હતી કે, જો અમારી આ માંગણીઓ પૂરી કરવામાં નહિ આવે તો વર્ષ ૨૦૨૦ માં જીટીયુની બધી જ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. જેને પગલે આગામી દિવસોમાં આ મુદ્દો પણ ગરમાય તેવી શકયતા છે.

(10:19 pm IST)