ગુજરાત
News of Thursday, 6th October 2022

વહેલી પરોઢે ચાર વાગ્‍યે નીકળેલી રૂપાલની પલ્લી પર પાંચ લાખ કિલો ઘીનો થયો અભિષેક

૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઊમટયાં : પૂનમ સુધી પલ્લીની જ્‍યોત ઝળહળતી રહેશેઃ ભાવિકો ઉતારી શકશે બાધા-માનતા

અમદાવાદ, તા.૬: ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામે વરદાયની માતાજીની વહેલી પરોઢે ચાર વાગ્‍યે નીકળેલી રૂપાલની પલ્લી પર શ્રદ્ધાપૂર્વક પાંચ લાખ કિલો ઘીનો થયો હતો અભિષેક. હૈયાથી હૈયું દળાય એટલા હકડેઠઠ ૧૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીની પલ્લીનાં દર્શન કરવા ઊમટયાં હતાં અને એ પૈકી ઘણા શ્રદ્ધાળુઓએ રાખેલી માનતા-બાધા પલ્લીનાં દર્શન કરીને તેમ જ ઘીનો અભિષેક કરીને છોડી હતી.

રૂપાલ ગામે વરદાયની માતાજીના મંદિરમાંથી નવરાત્રિમાં નોમની રાતે નીકળતી માતાજીની પલ્લીના કરોડો ભાવિકોમાં વર્ષોથી ખૂબ જ મહાત્‍મ્‍ય છે. વરદાયની માતાજી મંદિરના મૅનેજર અરવિંદ ત્રિવેદીએ ‘મિડ-ડે'ને કહ્યું હતું કે ‘ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘીનો વધુ અભિષેક થયો છે. પલ્લી વહેલી પરોઢે ચાર વાગ્‍યે નીકળી હતી અને સવારે સાત વાગ્‍યે મંદિરે પરત ફરી હતી. આ દરમ્‍યાન પાંચ લાખ કિલોથી વધુ ઘીનો અભિષેક પલ્લી પર થયો હતો. આ વર્ષે ૧૫ લાખથી વધુ ભાવિકો દર્શન કરવા આવ્‍યાં હતાં.'

(3:56 pm IST)