ગુજરાત
News of Sunday, 6th October 2019

શામળાજી નાંદીસણ પાટીયાની પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ

છ થી વધુ ગામોના લોકોની ઓવરબ્રિજની માંગ : સમજાવટ બાદ ચક્કાજામ દૂર કરવામાં પોલીસને સફળતા

અમદાવાદ, તા.૬  :  શામળાજી નજીક નેશનલ હાઇવે નં-૮ પર નાંદીસણ પાટિયા નજીક ઓવરબ્રીજ બનાવવાની માંગ સાથે છ થી વધુ ગામોના ગ્રામજનો હાઈવે નં-૮ પર ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ હાઇવે પર જ બેસી ગયા હતા અને ટ્રાફિક ચક્કાજામ કરી દીધો હતો. જેને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થયું હતું. બીજીબાજુ, શામળાજી પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હાઈવે પર લોકોએ કરેલ ચક્કાજામ સમજાવટથી દૂર કરી ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો. અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવ નં-૮ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. ચિલોડાથી શામળાજી સુધીના ફોર લેન હાઈવેને સીક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજીત ૯૩ કિ.મી.ના અંતરમાં ૯ જેટલા ફ્લાયઓવર, ૯ અંડરબ્રીજ અને ૧૩ જેટલા નાના વાહનો માટેના અંડરબ્રી્રજ બનાવવામાં આવવાના છે. અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર શામળાજી નજીક આવેલા નાંદીસણ પાટિયાથી ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં કામકાજ અર્થે અને વિદ્યાર્થીઓ પણ હિંમતનગર, મોડાસા તરફ અભ્યાસ અર્થે નેશનલ હાઇવે નં-૮ પરથી પસાર થવું પડે છે.

         આ માર્ગ પર હંકારતા વાહનો જોખમી નીવડી રહ્યા હોઇ વિદ્યાર્થીઓ અને લોકોની સલામતી માટે નાંદીસણ પાટિયા નજીક ઓવરબ્રીજ બનાવવામાં આવેની માંગ કરવામાં આવી છે. ન્યાય નહી મળે તો ગામ લોકોએ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી. સતત વાહનોથી ધમધમતા હાઈવે પર ચક્કાજામના પગલે ટ્રાફિકજામ થતા હાઈવે પર બે કિમી લાંબી કતારો લાગતા વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા. નેશનલ હાઈવે નં-૮ પર ટ્રાફિકજામના પગલે તંત્ર દોડતું થયું હતું. ચક્કાજામ કરનાર લોકોના જણાવ્યા અનુસાર નાંદીસણ પાટિયા નજીક એક મહિનામાં ૫ાંચથી વધુ અકસ્માતની ઘટનાઓ બની હતી. આજુબાજુના અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. અનેક નિર્દોષ રાહદારીઓ અને  આજુબાજુના ગ્રામજનો માટે પણ અકસ્માત ઝોન બની રહેતા ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાની માંગણી સંતોષવામાં નહી આવેતો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. બાદમાં શામળાજી પોલીસે કેટલાક આગેવાનોને સમજાવી ટ્રાફિક ચક્કાજામ દૂર કરાવી હાઇવેનો વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.

(9:46 pm IST)