ગુજરાત
News of Sunday, 6th October 2019

અમદાવાદના દક્ષીણ બોપલના સફલ પરીસર - ૧માં નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ બાળકો ગરબે ઘુમ્યા

સફળ પરીસરમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં દિવ્યાંગ બાળકોને અતિથી વિશેષ તરીકે બોલાવાયા

વિરમગામ:વરસાદના વિરામ પછી બોપલ સહિત સમગ્ર અમદાવાદ શહેરમાં નવરાત્રી મહોત્સવમાં ત્રીજા નોરતાથી ખેલૈયાઓ મુન મુકીને ગરબે ઘુમી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાના દક્ષીણ બોપલના સફલ પરીસર-૧ માં સાતમા નોરતાએ અનોખી રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દરેક માનવે જનસેવા કરવી જોઇએ તેવા ઉમદા ભાવ સાથે દક્ષીણ બોપલના સફલ પરીસર-૧માં આયોજિત નવરાત્રી મહોત્સવમાં પ્રકાશ સ્કુલ ઓફ મેન્ટલી રીટાર્ડેડના દિવ્યાંગ બાળકોને અતિથી વિશેષ તરીકે બોલાવવામાં આવ્યા હતા અને સફલ પરીસર-૧ ના રહીશો દિવ્યાંગ બાળકો સાથે ગરબે ઘુમ્યા હતા.

    સૌની સાથે જગતજનની માઁ આધ્યશક્તિની આરાધના કરીને ગરબે રમ્યા બાદ દિવ્યાંગ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને નવીન ઉર્જા જોવા મળી હતી. સફલ પરીસર-૧ના રહીશોએ દિવ્યાંગ બાળકો સાથે સમુહમાં અલ્પાહાર કર્યો અને પ્રકાશ સ્કુલ ઓફ મેન્ટલી રીટાર્ડેડના તમામ દિવ્યાંગ બાળકોને નવરાત્રી પર્વ નિમિત્તે ભેટ સહિત શાળાને સેવા રાશી આપવામાં આવી હતી.

  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દક્ષીણ બોપલના સફલ પરીસર-૧ ના વિશ્વાસ દાતાર, તનીશ ડઢાણીયા, વૃશાલી દાતાર, ચિરાગ ચૌહાણ, ભગવતસિંહ ગોહિલ, ઉજ્વલા કાનડે, હરેશ લાંગણેચા, વનરાજસિંહ રાજપુત, સિદ્ધાર્થ શાહ, જયમિન પટેલ સહિતના તમામ રહીશોએ જહેમત ઉઠાવી હતી.

  અત્રે ઉલ્લેખનિય છે કે, દક્ષીણ બોપલના સફલ પરીસર-૧ના રહીશો દ્વારા વર્ષભર માનવ સેવાના કાર્યો કરવામાં આવતા રહે છે અને જરૂરીયાતમંદ લોકોને મદદપુરી પાડવામાં આવી રહી છે.

(4:57 pm IST)