ગુજરાત
News of Sunday, 6th October 2019

હવે ચાણસદ તળાવમાં પ્રમુખ સ્વામીની પ્રતિમા સ્થાપિત થશે

પ્રતિમા સ્થાપિત કરી તીર્થનો વિકાસ કરાશે : પ્રમુખ સ્વામી મહારાજે લાખો ભાવિકોને માર્ગદર્શન આપ્યું

અમદાવાદ,તા.૫ : પાદરા તાલુકાનું ચાણસદ એ વિશ્વ વંદનીય સંત પ્રમુખ સ્વામીની પ્રાગટય ભૂમિ છે. ચાણસદ ના શાંતીલાલે આધ્યાત્મ માર્ગમાં ઉચ્ચકોટી એ પહોંચીને બાપ્સ સંસ્થાનું નેતૃત્વ કર્યું, દેશ અને વિદેશમાં હજારો મંદિરોનું નિર્માણ કરાવ્યું અને ધર્મ ધજાને ફરકતી રાખવાની સાથે સેવા ધર્મ શીખવાડયો અને લાખો ભાવિકોને કલ્યાણના માર્ગનું માર્ગદર્શન કર્યું. આ રીતે બાપ્સના પ્રમુખ વિશ્વ વંદનીય સંત બન્યા અને ગુજરાતને તથા ભારતને ગૌરવ અપાવ્યું. એ મહાન સંતની જન્મભૂમિ જગતભરમાં પરમ આસ્થાનું કેન્દ્ર બની છે. એને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીજીના નેતૃત્વ હેઠળ રાજ્યના પ્રવાસન વિભાગે અંદાજે ૧૦ કરોડના ખર્ચે પુણ્ય ભૂમિ ચાણસદના બહુમુખી દર્શનીય વિકાસનું આયોજન કર્યું છે.

             આ કાર્યમાં બાપ્સ ના વર્તમાન વડા પરમ પૂજ્ય ગુરુહરી મહંત સ્વામી મહારાજ અને સંત ગણ નો પરામર્શ કરવામાં આવ્યો છે. તેમાં ચાણસદ ના વિશાળ તળાવની મધ્યમાં પૂ.મહારાજની દિવ્ય પ્રતિમા સ્થાપિત કરાશે અને કાંઠા સાથે સાંકળતા સેતુઓ (પુલો) બનાવી દર્શનની સરળતા કરવામાં આવશે. આ ઉપરાંત પૂજ્ય સ્વામીજીનો જ્યાં જન્મ થયો એ ઘર (પ્રાગટય ભૂમિ), સ્વામિનારાયણ મંદિર, હનુમાનજીનું મંદિર અને ચાણસદ ના તળાવને સાંકળી લઈને ગ્રીન લેન્ડ સ્કેપિંગ સહિત નયન રમ્ય વિકાસનું આયોજન અહીં સાકાર થવાનું છે. મુખ્યમંત્રીએ ભૂમિપૂજન દ્વારા આજે પ્રાગટય ભૂમિના વિકાસની વ્યાપક કામગીરી શરૂ કરાવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં બિન નિવાસી ભારતીયો સહિત હજારો યાત્રાળુઓ આ પ્રાગટય તીર્થના દર્શને આવે છે. જેને ધ્યાનમાં રાખીને યાત્રાળુ સુવિધાઓના વિકાસનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, પ્રાસાદિક તીર્થ એવા આ પ્રાગટય તીર્થની સાથે ચાણસદ હવે વિકાસ તીર્થ બનશે.

(9:09 pm IST)