ગુજરાત
News of Sunday, 6th October 2019

પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગૌડાએ લીધી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત

1996માં સરદાર વલ્લભભાઈ પટેલના ગામની મુલાકાતે વડાપ્રધાન પદે હતો ત્યારે આવ્યો હતો.

 

નર્મદાઃ  પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાએ  વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત લીધી હતી. સરદાર પટેલનાં કાર્યોથી પ્રભાવિત દેવેગૌડાએ કહ્યું કે, મારી કોઈ રાજકીય મુલાકાત નથી. સરદાર પટેલે દેશ માટે આપેલા યોગદાનને ધ્યાનમાં રાખીને હું તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં આવ્યો છું. મુલાકાતમાં દેવેગૌડાએ કોઈ પણ રાજકીય ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.

 પૂર્વ વડાપ્રધાને જણાવ્યું કે, "આજે મને મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોવાની ઉમદા તક મળી છે વાતથી ઘણો ખુશ છું. હું વડાપ્રધાન હતો ત્યારે અમદાવાદ એરપોર્ટનું નામ સરદાર સાહેબના નામથી રાખવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને જણાવ્યું હતું. સાથે સરદાર પટેલ માટે એક મેમોરિયલ બનાવવાનો પણ મેં આગ્રહ કર્યો હતો. મારા કાર્યકાળમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ રાખવામાં આવ્યું હતું."

દેવેગૌડાએ વધુમાં જણાવ્યું કે, " અગાઉ 1996માં સરદાર વલ્લભભાઈ પટેલના ગામની મુલાકાતે વડાપ્રધાન પદે હતો ત્યારે આવ્યો હતો. સ્ટેચ્યુ આજની અને ભવિષ્યની પેઢીને દેશની એક્તા અને અખંડિતતામાં સરદાર પટેલના યોગદાનને યાદ અપાવતું રહેશે. સરદાર પટેલે દેશ માટે જે યોગદાન આપ્યું છે તે અમુલ્ય છે. આજે સરદાર પટેલના નામનો રાજકીય હેતુ માટે ઉપયોગ કરાઈ રહ્યો છે તે ઉચિત નથી."

(10:40 pm IST)