ગુજરાત
News of Sunday, 6th October 2019

હત્યાને અંજામ આપ્યા બાદ કપડાને સળગાવી દેતો હતો

સિરિયલ કિલર મોનીશની પૂછપરછ જારી : પોલીસને થાપ આપવા એકથી વધુ સિમકાર્ડ રાખતો હતો

થોડા દિવસો પહેલા જ ગાંધીનગરમાં ચાર હત્યાના ગુનામાં પકડાયેલા સિરીયલ કિલરની પુછપરછ બાદ એક પછી એક રહસ્યો પરથી પડદા ઉંચકાઇ રહ્યા છે. આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે. સિરિયલ કિલર મોનીશની પૂછપરછમાં હવે વધુ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, તે લૂંટ અને હત્યાના ગુનો આચર્યા બાદ તેના કપડા સળગાવી દઇ પુરાવાનો નાશ કરતો હતો. એટલુ જ નહી, સિરિયલ કિલરે પોલીસ તેને પકડી ના શકે એટલા માટે ચારથી પાંચ કે તેથી વધુ સિમકાર્ડ ધરાવતો હતો અને તેનો ઉપયોગ કરી પોલીસથી બચવાનો પ્રયાસ કરતો હતો. સિરિયલ કિલર અનેક લૂંટના ગુનામાં સંડોવાયેલો હતો અને લૂંટના ઇરાદાથી તે હત્યા કરતો હતો. આરોપી મોનિશ મૂળ રાજસ્થાનનો વતની છે પરંતુ વર્ષોથી અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં થોડા મહિનાઓ પહેલા સતત ત્રણ હત્યાઓથી પોલીસ ચોંકી ઉઠી હતી અને આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ખૂબ જહેમત હાથ ધરી હતી.

          આરોપી પકડાય અથવા તેની ઓળખ થાય તે માટે પોલીસે ઇનામની જાહેરાત પણ કરી હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે, આરોપી મોનિશઆ પહેલા ચોરીના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો હતો અને જેલમાંથી તે શીખ્યો હતો કે, ગુનો કર્યા પછી જો કપડા સળગાવી દેવામાં આવે તો પુરાવાનો નાશ થઇ જાય છે અને એ રીતે પોતે પોલીસથી બચી શકે તેમ છે. એટલા માટે તેણે જ્યારે-જ્યારે ગુનો કર્યો ત્યારે ત્યારે તેણે પહેરેલા કપડા સળગાવી દીધા હતા. પોલીસ તપાસમાં એ પણ હકીકત બહાર આવી કે, આરોપી ગુનો કર્યા પછી પોલીસથી બચવા માટે ચારથી પાંચ મોબાઇલ સિમકાર્ડ રાખતો હતો. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, આ સિમકાર્ડ તેણે પોતાના નામે ખરીદ્યા હતા કે, પછી બીજી કોઇ વ્યક્તિના નામે લીધા હતા.

 

(9:35 pm IST)