ગુજરાત
News of Sunday, 6th October 2019

રાજ્યના કુલ ૧૨૩ જળાશય છલકાયા : મોટી રાહત રહેશે

સરદાર સરોવરમાં ૯૮ ટકા જળસંગ્રહ : રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાં ૯૬ ટકા પાણીનો જથ્થો

રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યમાં સરેરાશ ૧૪૧.૨૪ ટકા વરસાદ થયો છે. જેના પરિણામે રાજ્યના ૨૦૪ જળાશય-ડેમમાંથી ૧૨૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે એટલે કે છલકાયા છે. જ્યારે ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય તેની કુલ સંગ્રહશક્તિના ૯૮.૮૧ ટકા ભરાયો છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગરના તા.૫ ઓકટોબર-૨૦૧૯ના સવારે ૮.૦૦ કલાક સુધીના અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં હાલની સ્થિતિએ ૭૫.૬૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૯.૫૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૯.૭૩ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૫૩ ટકા તેમજ સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૯૨.૧૮ ટકા આમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં ૯૫.૦૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

           અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આજ દિવસે એટલે કે ૩જી ઓકટોબર-૨૦૧૮ની સ્થિતિ ૫૪.૭૦ ટકા પાણીનો જથ્થો સંગહાયેલો હતો. રાજ્યમાં હાલમાં મુખ્યત્વે સરદાર સરોવર ડેમમાં ૧,૩૭,૯૬૬ કયુસેક, ઉકાઇમાં ૭૩,૬૪૫ ક્યુસેક, કડાણામાં ૪૭,૬૨૫ ક્યુસેક, વણાકબોરીમાં ૩૬,૮૧૫ કયુસેક તેમજ ભાદર-રમાં ૧૬,૬૬૨ કયુસેક પાણીની આવક થઇ રહી છે તેમ અહેવાલમાં વધુમાં જણાવાયું છે. રાજયના કચ્છ ઝોનમાં મોસમનો સરેરાશ ૧૭૫.૮૪ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૧૮.૨૨ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૨૮.૪૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં સરેરાશ ૧૪૮.૭૬ ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૪૩.૮૪ ટકા વરસાદ સાથે રાજ્યનો કુલ વરસાદ ૧૧૫૨.૫૧ મી.મી. એટલે કે સરેરાશ ૧૪૧.૨૪ ટકા નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.

(9:30 pm IST)