ગુજરાત
News of Saturday, 6th October 2018

આણંદ રૂરલ પોલીસે સામરખા નજીક ત્રણ રીઢા બાઈક ચોરોને રંગે હાથે દબોચ્યા

આણંદ: રૂરલ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે સામરખા પાસેથી ત્રણ રીઢા બાઈક ચોરોને ઝડપી પાડીને બે બાઈક અને ચાર એક્ટીવાની ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે વધુ તપાસ અર્થે તેઓને આણંદ શહેર પોલીસ મથકના હવાલે કર્યા છે જ્યાં રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન બીજી કેટલીક વાહનચોરી પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
પ્રાપ્તવિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે આણંદ રૂરલના પીએસઆઈ અજય તિવારી તથા સ્ટાફાના જવાનો નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે સામરખા બસસ્ટેન્ડથી આણંદ તરફના રોડ ઉપર એક નંબર પ્લેટ વગરના એક્ટીવા ઉપર ત્રણ શખ્સો આવી ચઢતાં પોલીસે તેઓને અટકાવ્યા હતા અને એક્ટીવાની માલિકીના પુરાવા તથા લાયસન્સની માંગણી કરી હતી પરંતુ તેઓ ગલ્લાતલ્લા કરવા લાગતાં પોલીસ મથકે લાવીને પુછપરછ કરતા આ એક્ટીવા આણંદના શાસ્ત્રીબાગ પાસેથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેથી તેઓના નામઠામ પુછતાં સુબહાન નાશીરભાઈ મન્સુરી (રે. સામરખા ચોકડી, ઉમરીનગર), રહીમભાઈ ઈસ્માઈલભાઈ શેખ (રે. ખ્વાજાનગર, સામરખા ચોકડી)તેમજ રહીશ અબ્દુલસલીમ ખાન (રે. પાધરીયા, રેલવે કોલોની)ના હોવાનું ખુલવા પામ્યું હતું. 
ત્રણેયની ઉંડી પુછપરછ કરતાં તેઓએ રમઝાન મહિના દરમ્યાન વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી બાઈક, વીસ દિવસ પહેલાં એન. એસ. પટેલ કોલેજ પાસેથી એક્ટીવા, ઝાયડસ હોસ્પીટલ, ગામડી વિમલ મીરીયમ સ્કૂલના ગ્રાઉન્ડમાંથી, પાકીઝા તેમજ મીના મસ્જિદ પાસેથી એક્ટીવાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આ તમામ વાહનો જપ્ત કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા ત્રણ ઉપરાંત સાહીલ ઉર્ફે ઉંટી રાજુભાઈ (રે. ઉમરીનગર, આણંદ)નું નામ ખુલવા પામ્યું છે. જે ફરાર થઈ ગયો છે. ચારેય શખ્સો જુદા-જુદા વિસ્તારોમાં ફરીને એક્ટીવા અને બાઈકોની ચોરી કરતા હતા અને અને કેટલોક સમય ફેરવીને બાદમાં પેટ્રોલ ખલાસ થઈ જાય એટલે બિનવારસી હાલતમાં છોડી દેતાં હતા.

(6:46 pm IST)