આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એટીએમ મશીનને કટરથી કાપી ચોરીનો પ્રયાસ કરનાર ગઠિયાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
આણંદ: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય થયેલી એટીએમ મશીનને ગેસ કટરથી કાપીને ચોરી કરતી ગેંગે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પેટલાદ તાલુકાના પાડગોલ ગામે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાં ઘુસીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું ખુલવા પામતાં જ ચકચાર મચી જવા પામી છે. મહેળાવ પોલીસે ચોરીના પ્રયાસનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મધ્યરાત્રીના એક વાગ્યાના સુમારે આણંદ જિલ્લા કન્ટ્રોલ રૂમમાં મુંબઈની એટીએમ સીક્યુરીટી કરતી કંપનીમાંથી ફોન આવ્યો હતો કે, પેટલાદ તાલુકાના પાડગોલ ગામે આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાં ચોરી થઈ રહી છે. જેથી કન્ટ્રોલ રૂમ દ્વારા મહેળાવ પોલીસને જાણ કરીને તુરંત જ ત્યાં પહોંચવાનો આદેશ કરતાં મહેળાવ પોલીસની ટીમ તાબડતોબ ત્યાં પહોંચી ગઈ હતી.