અમદાવાદમાં મહિલા લોકરક્ષકનું ચેઇન સ્નેચિંગ થતાં રોડ પર પટકાયા : બે ફરાર શખ્શોની શોધખોળ
એકટીવા પરથી પડી જતા તેમને હાથના અને માથાને ભાગે ઇજા
અમદાવાદ : શહેરના રખિયાલ વિસ્તારમાં એક મહિલા લોકરક્ષકની સોનાની ચેઇન ખેંચી બે શખ્શો ફરાર થઈ ગયા છે.
આ અંગેની વિગત મુજબ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક એકટીવા લઈને સવારે આઠ વાગ્યાની આસપાસ રખિયાલ સોમા ટેક્ષ્ટાઈલ પાસેથી પોલીસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર બે શખ્શો તેમની નજીક આવ્યા હતા અને સોનાની ચેઇન તોડી આંબાવાડી ચાર રસ્તા રખિયાલ તરફ ફરાર થઈ ગયા હતા. ફરિયાદી એકટીવા પરથી પડી જતા તેમને હાથના અને માથાને ભાગે સામાન્ય ઈજા પણ થઈ હતી.
ચેઇન સ્નેચરમાંથી એક આરોપીએ માસ્ક પહેર્યું હતું જ્યારે પાછળ બેઠેલ શખ્સે માસ્ક પહેર્યું ન હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા રખિયાલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.