ગુજરાત
News of Thursday, 6th August 2020

ગાંધીનગર જિલ્લામાં નદીમાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ તંત્ર દોડતું થયું:6 ટ્રકો ઝડપી 3.20 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો

ગાંધીનગર:જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદો અને અમુક ટ્રકોમાં ઓવરલોડ ખનીજ લઈ જવાની ઘટનાઓ વચ્ચે શનિ, રવિ અને તહેવારની રજામાં ભુસ્તર તંત્રની ટીમે અલગ અલગ છ સ્થળોએ ઓચિંતી તપાસ કરીને ગેરકાયદે તેમજ ઓવરલોડ રેતી ભરીને જતાં છ ટ્રકો ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૩.ર૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભુસ્તર તંત્રએ શરૂ કરેલા આ અભિયાનના પગલે રેતી ચોરોમાં ફફડાટ ફેલાયો છે.  

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી વિવિધ નદીઓમાં રાત્રી સમયે ગેરકાયદે રેતી ખનનની પ્રવૃતિ વધી રહી છે. એટલું જ નહીં મંજુરીવાળી લીઝમાંથી પણ વધારે પ્રમાણમાં રેતી વહન કરવામાં આવતી હોય છે. જિલ્લામાં આવી ઘટનાઓ વ્યાપક બની રહી છે ત્યારે જિલ્લા ભુસ્તર તંત્રની ટીમ દ્વારા ઓચિંતી તપાસનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં એટલે કે શનિ, રવિ અને સોમવારની રજાઓમાં જિલ્લાના અલગ અલગ સ્થળોએ ભુસ્તર તંત્રની ટીમે વોચ ગોઠવી હતી. ઈન્દ્રોડા, શાહપુર, વલાદ અને ભાટમાં તપાસ દરમ્યાન બીન અધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર રેતી ભરીને જતી બે ટ્રકોને ઝડપી લેવામાં આવી હતી તો અડાલજ, ચિલોડા અને અંબોડ પાસેથી રોયલ્ટી પાસ કરતાં વધુ માત્રામાં રેતી વહન કરતાં ચાર ટ્રકને પકડી લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ૩.ર૦ કરોડના મુદ્દામાલ સાથે આ ટ્રકોને સીઝ કરી તેમની પાસેથી દંડ વસુલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓચિંતી તપાસની કામગીરીને પગલે રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. 

(8:57 pm IST)