કલોલ નજીક પાનસરમાં ટ્રક નીચે કચડાઈ જવાથી એક વર્ષના બાળકનું મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામ્યો
કલોલ : કલોલ પાસેના પાનસર ગામે આવેલ એક નર્સરીમાં અકસ્માત નો બનાવ બન્યો હતો આ નર્સરીના કમ્પાઉન્ડમાં નાના બાળકો રમી રહ્યા હતા તે વખતે એક ટ્રકના ચાલકે તેની ટ્રક રિવર્સ લેતા ટ્રકના ટાયર બાળક ઉપર ફરી વળ્યા હતા જેને પગલે બાળકનું મોત થયું હતું બનાવ અંગે પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી માહિતી અનુસાર કલોલ તાલુકાના પાનસર ગામે આવેલ મેટ્રો જેન બાયોટેક નર્સરીમાં દાહોદ જિલ્લાના નઢેલાવ ગામમાં રહેતા નરેશભાઈ બાબુભાઈ મંડોડ પરિવાર સાથે મજૂરી અર્થે આવ્યા હતા તેઓ નર્સરીમાં કેળના છોડને કેરેટમાં ગોઠવવાની મજૂરી કામ કરી રહેલા છે તેઓ નિત્યક્રમ મુજબ તેમની પત્નિ સાથે નર્સરીના કમ્પાઉન્ડમાં કામકાજ કરી રહ્યા હતા તે વખતે તેમનો એક વર્ષનો બાળક રેહાન અન્ય બે ત્રણ નાના બાળકો સાથે રમી રહ્યો હતો તે વખતે કમ્પાઉન્ડમાં એક ટ્રકના ચાલકે ટ્રક ગફલત ભરી રીતે હંકારીને રિવર્સમાં લેતા તેની પાછળ રમી રહેલો રેહાન ટ્રકના ટાયર નીચે આવી ગયો હતો એક વર્ષના બાળક ઉપર ટ્રકના ટાયર ફરી વળતાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને ખાનગી વાહનમાં સારવાર અર્થે કલોલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ ૧૦૮ માં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તપાસીને તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો બાળકના મોતને પગલે આસપાસમાં અરેરાટી સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું બનાવ અંગે પોલીસે નરેશભાઈ ની ફરિયાદના આધારે ટ્રક નંબર યુપી ૮૦ એફ ટી ૭૮ ૨૯ ના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.