ગુજરાત
News of Friday, 6th July 2018

ગુજરાત એગ્રો દ્વારા ૮૦ લાખનો હવે ડિવિડન્ડ ચેક

મુખ્યમંત્રીને ચેક અર્પણ કરાયો

અમદાવાદ,તા.૬: મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજ્ય સરકારના સાહસ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા ૨૦૧૫-૧૬ના વર્ષના ડિવીડન્ડ પેટે રાજ્ય સરકારના ફાળાનો ૮૦ લાખ ૮૨ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ  સંજયપ્રસાદ અને કોર્પોરેશન મેનેજિંગ ડિરેક્ટર મહમદ શાહીદે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને આ ચેક અર્પણ કર્યો હતો. આ કોર્પોરેશનની શેરમુડી ૮ કરોડ ૮ લાખ રૂપિયાની છે તેની ૧૦ ટકા ડિવીડન્ડ પેટે ગુજરાત સરકારને આ ડિવીડન્ડ ચેક અર્પણ કરાયો હતો. અન્ને એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને રાજ્યના ધરતીપુત્રોને ખાતરની અછતના સમયે પણ સરળતાએ યુરિયા અને ડીએપી ખાતર ઉપલબ્ધ કરાવવા આ વર્ષે ૮૫ કરોડની કિંમતે ૯૦ હજાર મેટ્રિક ટન ખાતર ખરીદીને સ્ટોરેજ કર્યું છે. એટલું જ નહીં, દુર-દરાજ અંતિરયાળ વિસ્તારો સહિત રાજ્યમાં ૧૦૦૦ જેટલા એગ્રો બિઝનેસ સેન્ટર્સના માધ્યમથી આ કોર્પોરેશન ખેડુતોને ગુણવત્તાયુકત ખાતર અને જંતુનાશક દવાઓ વાજબી ભાવે પૂરું પાડે છે. ગુજરાતના નાગરિકો સમાજવર્ગોને કાર્બાઈડ ફ્રી કેસર કેરી ઉપલબ્ધ થાય તે હેતુથી એક નવિન અભિગમ રૂપે એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન કેસર મેંગો ફેસ્ટીવલનું સફળતાપૂર્વક આયોજન કરે છે. આ વર્ષે અંદાજે ૮ કરોડની ૧૦૦૦ મેટ્રિક ટન કાર્બાઈડ ફ્રી કેસર કેરી તથા ગત વર્ષ આવી ૭૫૦ મેટ્રિક ટન કેસર કેરીનું નિગમ દ્વારા ગુજરાતમાં વેચાણ થયું છે.

(10:51 pm IST)