ગુજરાત
News of Friday, 6th July 2018

પ્રસિદ્ધ સાહિત્યકાર-ચિત્રકાર અને નર્મદાયાત્રી અમૃતલાલ વેગડનું મધ્યપ્રદેશના જબલપુરમાં અવસાન

અમદાવાદઃ નર્મદયાત્રી, પ્રસિદ્ધ સાહિત્યકાર અને ચિત્રકાર અમૃતલાલ વેગડનું આજે જબલપુર (મધ્યપ્રદેશ) ખાતે નિધન થયું છે. લાંબા સમયથી બીમાર રહેલા અમૃતલાલ છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતા. અમૃતલાલ વેગડના અંતિમ સંસ્કાર આજે સાંજે જ જબલપુર ખાતેના નર્મદાના 'ગૌરી ઘાટ' ખાતે કરવામાં આવશે.

અમૃતલાલ વેગડે એકવાર કહ્યું હતું કે, “ જીવન કે લિયે રોટી સે પહલે પાણી જરૂરી હૈ. નર્મદા કો હમારી જરૂરત નહી , હમેં નર્મદા કી જરૂરત હૈ.

મૂળ કચ્છ-માધાપર ગુજરાતના વતની અને મધ્યપ્રદેશ જબલપુરમાં સ્થાયી થયેલા અમૃતલાલ વેગડનો જન્મ ૩જી ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ થયો. સાહિત્યકાર અને ચિત્રકાર અમૃતલાલ વેગડે કરેલી લગભગ ચાર હજારથી વધારે કિલોમીટરની ખંડિત નર્મદા પરિક્રમાના ગુજરાતી અને હિન્દી ભાષામાં ગુણવત્તાસભર પ્રવાસવૃતાન્તો મળ્યા છે. જેનો અંગ્રેજી, બંગાળી અને મરાઠીમાં અનુવાદ પણ થયો છે.

અમૃતલાલ વેગડે કલાભવન શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (૧૯૪૮-૧૯૫૩) કર્યું. ૧૯૫૫માં તેમણે બીએની ડીગ્રી મેળવી હતી. ૧૯૫૩થી જબલપુરમાં શાસકીય કલાનિકેતનમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કામગીરી કરી હતી. પદયાત્રા દરમિયાન તેમણે દોરેલા રેખાચિત્રો અને ચિત્રો ક્લા વિવેચકો દ્વારા ખુબ જ વખણાયા છે.

અમૃતલાલ વેગડને શિક્ષણ સાધના માટે શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રાલય એવોર્ડ ‘(૧૯૯૨), મધ્યપ્રદેશ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ અવોર્ડ (૧૯૯૨), મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ એવોર્ડ (૧૯૯૪), ચિત્રકળા માટે મધ્યપ્રદેશનું પ્રતિષ્ઠિત શિખર સન્માન”, “સૌંદર્યની નદી નર્મદામાટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક, “પરિક્રમા નર્મદામૈયાનીમાટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક અને ગુજરાતી સાહિત્ય પરિષદનું કાકાસાહેબ કાલેલકર પારિતોષિક , “થોડું સોનું થોડું રૂપું” (નિબંધ સંગ્રહ)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પરમાનન્દ કુંવરજી કાપડિયા પારિતોષિક, “ સૌન્દર્ય કી નદી નર્મદા” (હિન્દી) માટે મધ્યપ્રદેશનું રાષ્ટ્રીય શરદ જોશી સન્માન , મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદનો અખિલ ભારતીય પુરસ્કાર, “અમૃતસ્ય નર્મદા” (હિન્દી) માટે મધ્યપ્રદેશનું રાષ્ટ્રીય શરદ જોશી સન્માન, ઉપરાંત આ બંને હિન્દી ભ્રમણવૃતાન્તો માટે કેન્દ્ર સરકારનો મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન પુરસ્કાર તથા મધ્યપ્રદેશ હિન્દી ગ્રન્થ અકાદમીનું ડો. શંકરદયાલ શર્મા સૃજન સન્માન રસ્કાર એનાયત થયા હતા. તાજેતરમાં જ તેમને માખણલાલ ચતુર્વેદી પત્રકારિતા વિશ્વવિદ્યાલયદ્વારા ડી.લિટ્ની ઉપાધિથી નવાજવામાં આવ્યા હતા

અમૃતલાલ વેગડના ગુજરાતી પુસ્તકોમાં પરિક્રમા નર્મદામૈયાની”, સૌન્દર્યની નદી નર્મદા”, “ થોડું સોનું થોડું રૂપું ”, “સ્મૃતિઓનું શાંતિનિકેતન”, “નદિયા ગહેરી , નાવ પુરાની”. “સરોવર છલી પડ્યાં!” “નર્મદાનો પ્રવાસ”, “પરિક્રમા નર્મદામૈયાનીવગેરે, હિન્દીમાંબાપુ સુરજ કે દોસ્ત”, “બાપુ કો દસ અંજલિયાં”, “ભારત મેરા દેશ”, “સૌન્દર્ય કી નદી નર્મદા”, “અમૃતસ્ય નર્મદાવગેરે, મરાઠીમાં મીનલ ફડણીસ દ્વારા અનુદિત થયેલી સૌન્દર્યવતી નર્મદાતથા અમૃતસ્ય નર્મદા”, બંગાળીમાં તપેન ભટ્ટાચાર્ય દ્વારા અનુદિત થયેલી સૌન્દર્યેર નદી નર્મદા”, “અમૃતસ્ય નર્મદા”, અંગ્રેજીમાં મેડરેલ્લ દ્વારા નર્મદા: રિવર ઓફ બ્યુટીનો સમાવેશ થાય છે.

'નર્મદા પુત્ર ' અને સાહિત્ય અકાદમીથી સન્માનિત વેગડે નર્મદા પરિક્રમા અંગે વાત કરતા કહ્યું હતું કે મારી નર્મદા પરિક્રમા ધાર્મિક નહી પરંતુ સાંસ્કૃતિક હતી.

(6:34 pm IST)