ગુજરાત
News of Friday, 6th July 2018

ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા અટકાવ્યાના થોડા સમય બાદ ગાંધીનગરની વૃદ્ધ મહિલાને કાર્ડિયાક અરેસ્ટનો હૂમલો આવી જતા મોત

અમદાવાદ: 28મી જૂનથી અમરનાથ યાત્રા શરૂ થતાં હજારો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થયા હતા. એક વખત બાબા બર્ફાનીના દર્શન કરનાર શ્રદ્ધાળુઓ ફરી વાર અમરનાથની યાત્રાએ જવાનું ચોક્કસ વિચારતા હોય છે પરંતુ ગાંધીનગરની 59 વર્ષની એક મહિલા માટે અમરનાથની આ છેલ્લી યાત્રા હતી. યાત્રા દરમિયાન મંગળવારે મોડી રાત્રે પંચતરણી બેઝ કેમ્પ ખાતે નાનીબેન પરમારને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. ખરાબ હવામાનના કારણે અમરનાથની યાત્રા અટકાવવામાં આવ્યાના થોડા સમય બાદ જ તેમનું મૃત્યુ થયું હતું.

મંગળવારે સાંજે ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં બ્રારીમાર્ગનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જમ્મૂ અને કાશ્મીર પોલીસના અધિકારીઓએ નાનીબેન પરમારના મોતની પૃષ્ટિ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે નાનીબેન પરમાર તેમના પતિ બચુજી સાથે અમરનાથની યાત્રાએ ગયાં હતાં. અમરનાથની ગુફા શ્રાઈનથી 6 કિમીના અંતરે તેમને કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો અને થોડી વારમાં જ તેઓ મૃત્યુ પામ્યાં હતાં. પોલીસે નાનીબેનનો મૃતદેહ તેમના પતિને સોંપી દીધો છે.

ઉલ્લેખનીય છે કે અમરનાથની યાત્રા 28 જૂનથી શરૂ થઈ છે જે 28 ઓગસ્ટ સુધી ચાલશે. જમ્મૂ અને કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ પહેલા 6 દિવસમાં જ દેશના વિવિધ સ્થળોએથી આવેલા 54000 શ્રદ્ધળાઓ બાબા બર્ફાનીના દર્શન કર્યાં હતાં. વધુમાં પોલીસે જણાવ્યું કે ખરાબ વાતાવરણના કારણે યાત્રા સંપૂર્ણ પણે અટકાવી દેવામાં આવી છે અને આગળની સૂચના ન મળે ત્યાં સુધી યાત્રા ફરી શરૂ નહીં થાય.

પંચતરણી બેઝ કેમ્પ પાસે ગુજરાતી સમુદાયનું રસોડું ચલાવતા મિલિન્ડ વૈદ્યએ કહ્યું કે, “રસ્તો બંધ થઈ ગયો હોવાથી શ્રદ્ધાળુઓને પોતાના ખાનગી વાહનોમાં મુસાફરી ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી.વધુમાં તેમણે જણાવ્યું કે 100 ગુજરાતીઓ સહિત અંદાજીત 1200 જેટલા લોકો મંગળવારે જ અમરનાથની ગુફા તરફ રવાના થયા હતા પણ ભૂસ્ખલન થવાના કારણે તોએ પંચતરણી અને શેષનાગની વચ્ચે જ ફસાઈ ગયા હતા.

(6:07 pm IST)