ગુજરાત
News of Saturday, 6th June 2020

ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને અંબાજી પહોંચવા આદેશ કરાયો : ધારાસભ્યોને ઝોન મુજબ સાચવવા વ્યૂહ

કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો અંબાજી મુકામ કરાવાશે :વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર રણનીતિ ઘડશે

અંબાજી : કોંગ્રેસ ફરી એકવાર રિસોર્ટ પોલિટિક્સ શરૂ કર્યું છે રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસનાં ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ 15 ધારાસભ્યો સાથે  મોડીસાંજે આણંદના એક રિસોર્ટમાં મીટિંગ કરી હતી. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટના રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે ત્યારે હવે  ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને અંબાજી પહોંચવા માટે આદેશ છૂટ્યા છે. જેના ભાગરૂપે કોંગ્રેસના તમામ ધારાસભ્યો બપોર સુધી અંબાજી પહોંચશે.

 સૂત્રોનું કહેવું છે કે, ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનમાં ખસેડવામાં આવી શકે છે. આજે બપોર બાદ કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને લઈને આગામી રણનીતિ જાહેર કરશે.

 રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત બાદ જ ગુજરાતમાં તોડોના વાઈરસ ફરી સક્રિય થયો હતો. ધારાસભ્યોનાં રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા નવી રણનીતિ બનાવવામાં આવી છે કે જેથી હવે વધુ ધારાસભ્યો તૂટે નહીં. આ માટે ધારાસભ્યોને 3 ટીમમાં વહેંચી દેવામાં આવશે. અને 3 ટીમને સાચવવાની જવાબદારી અલગ અલગ નેતાઓને આપવામાં આવશે. આણંદના એક રિસોર્ટમાં ભરતસિંહ સોલંકીએ 15 ધારાસભ્યો બેઠક કરી હતી.

ધારાસભ્યોને ઝોન પ્રમાણે રાખવાની કોંગ્રેસ રણનીતિ અપનાવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને સંભાળવાની જવાબદારી ભરતસિંહ સોલંકીને આપવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી સિદ્ધાર્થ પટેલ અને જગદીશ ઠાકોરને આપવામાં આવી છે જ્યારે પરેશ ધાનાણી અને અર્જુન મોઢવાડિયાને સૌરાષ્ટ્રના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી સોંપાય છે.

(12:30 pm IST)